HomeMorbiમોરબી: લોનનો હપ્તો ભરવામાં વિલંબ થતા યુવક પર બેંક કર્મીનો હુમલો, જાનથી...
મોરબી: લોનનો હપ્તો ભરવામાં વિલંબ થતા યુવક પર બેંક કર્મીનો હુમલો, જાનથી મારી નાખવાની ધમકી
મોરબી: શહેરના રવાપર રોડ પર રહેતા એક યુવકને મકાન લોનનો હપ્તો ભરવામાં મોડું થવું ભારે પડ્યું છે. હપ્તા બાબતે હિન્દુજા ફાઇનાન્સના કર્મચારીએ ફોન પર ગાળાગાળી કરી, યુવકને જાહેરમાં બોલાવી અન્ય એક શખ્સ સાથે મળી બેરહેમીથી માર માર્યો હોવાની ઘટના સામે આવી છે. આ મામલે મોરબી સીટી એ-ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે.
મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદ મુજબ, રવાપર શ્યામ પાર્ક વિસ્તારમાં રહેતા વેપારી મેહુલકુમાર પરસોત્તમભાઈ ધોરીયાણી ઉવ.૩૦એ હિન્દુજા ફાઇનાન્સ બેંકમાં નોકરી કરતા આરોપી શીવુભા દરબાર અને એક અજાણ્યા શખ્સ વિરુદ્ધ ફરિયાદ કરી જાહેર કર્યું કે, મેહુલભાઈએ હિન્દુજા ફાયનાન્સ બેંકમાંથી મકાન લોન લીધી હતી. જે લોનનો હપ્તો ભરવામાં મોડું થતા ગઈકાલ તા. ૧૦ એપ્રિલ ૨૦૨૬ના રોજ સાંજે બેંકના કર્મચારી શિવુભા દરબારે ફરીયાદીને ફોન પર ગાળો આપી સરદાર બાગ સામે આવેલ બંધ પેટ્રોલ પંપ પાસે બોલાવ્યા હતા.
જ્યાં પહોંચતા આરોપી શિવુભા દરબાર તથા એક અજાણ્યા વ્યક્તિએ ફરીયાદી સાથે ગાળો બોલી બેફામ ઢીકાપાટુનો મુઢમાર મારવા લાગ્યા હતા. આ ઉપરાંત આરોપીઓએ જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. હાલ ભોગ બનનાર વેપારીની ફરિયાદને પગલે પોલીસે બંને આરોપીઓ સામે ભારતીય ન્યાય સંહિતા વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી આગળની તપાસ શરૂ કરી છે.