HomeMorbiસ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં મોરબી જિલ્લામાં ભાજપનો ભગવો લહેરાયો: 'શ્રી કમલમ્' ખાતે ભવ્ય...
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં મોરબી જિલ્લામાં ભાજપનો ભગવો લહેરાયો: ‘શ્રી કમલમ્’ ખાતે ભવ્ય અભિવાદન સમારોહ યોજાયો
મોરબી જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીને મળેલી પ્રચંડ અને ઐતિહાસિક જીત બાદ આજે મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય ‘શ્રી કમલમ્’ ખાતે એક ભવ્ય અભિવાદન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. જિલ્લા ભાજપ પ્રમુખના અધ્યક્ષ સ્થાને યોજાયેલા આ કાર્યક્રમમાં નવનિર્વાચિત પ્રતિનિધિઓનું ઉત્સાહભેર સન્માન કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે વિશેષ ઉપસ્થિત મોરબી જિલ્લા પ્રભારી ગજેન્દ્રભાઇ સક્સેના, ગુજરાત પ્રદેશ ભાજપના સહ-કોષાધ્યક્ષ મોહનભાઈ કુંડારીયા અને મોરબી જિલ્લા ભાજપ મહામંત્રી તથા મુખ્યાલય પ્રભારી નિર્મલભાઇ જારીયા, તપનભાઇ દવે તેમજ ચતુરભાઈ મકવાણાએ વિજેતા ઉમેદવારોને વધાવ્યા હતા.
કાર્યક્રમમાં રાજ્યસભાના સાંસદ કેશરીસિંહ ઝાલા, સુરેન્દ્રનગરના સાંસદ ચંદુભાઈ સિહોરા, ટંકારા-પડધરીના ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયા, હળવદના ધારાસભ્ય પ્રકાશભાઈ વરમોરા અને પૂર્વ મંત્રી બ્રિજેશભાઈ મેરજાએ પ્રાસંગિક ઉદબોધન કરી કાર્યકરોની મહેનતને બિરદાવી હતી. આ ઉપરાંત પૂર્વ ધારાસભ્ય પરસોત્તમભાઈ સાબરીયા, પૂર્વ જિલ્લા ભાજપ પ્રમુખ રાઘવજીભાઈ ગડારા, જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ હંસાબેન પારેઘી તથા પૂર્વ મહામંત્રી નરેન્દ્રસિંહ ઝાલા સહિતના આગેવાનોએ પણ વિજેતાઓને શુભેચ્છા પાઠવી હતી.
ઉપસ્થિત તમામ મહાનુભાવોએ ચૂંટાયેલા ઉમેદવારોને સંબોધતા જણાવ્યું હતું કે, જનતાએ જે વિશ્વાસ મૂકીને વિજય અપાવ્યો છે તેને સાર્થક કરવા હવે છેવાડાના માનવી સુધી પહોંચી વિકાસકાર્યોને વેગ આપવો એ આપણી પ્રાથમિકતા હોવી જોઈએ. પ્રજાની વચ્ચે રહીને લોકઉપયોગી કાર્યો કરવા માટે તમામ ચૂંટાયેલા પ્રતિનિધિઓને આહવાન કરવામાં આવ્યું હતું.
આ સમારોહમાં મોટી સંખ્યામાં હોદ્દેદારો, કાર્યકરો અને સમર્થકો ઉપસ્થિત રહ્યા હતા અને વિજયના ઉત્સાહ સાથે ‘ભારત માતા કી જય’ના નારાથી વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું.