HomeMorbiમોરબીવાસીઓ સાવધાન: હવે આડેધડ પાર્કિંગ કર્યું તો ખેર નથી, કલેક્ટરનું નવું જાહેરનામું...

મોરબીવાસીઓ સાવધાન: હવે આડેધડ પાર્કિંગ કર્યું તો ખેર નથી, કલેક્ટરનું નવું જાહેરનામું જાહેર

મોરબી: શહેરની સતત વધતી જતી ટ્રાફિક સમસ્યા અને સાંકડા રસ્તાઓને ધ્યાનમાં રાખીને મોરબી જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા એક મહત્વનું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. મોરબી શહેરના મુખ્ય માર્ગો પર ટ્રાફિકનું ભારણ ઘટાડવા માટે હવેથી ‘એકી-બેકી’ (Odd-Even) તારીખ મુજબ પાર્કિંગનો અમલ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે.

શું છે નવો નિયમ?

નવા જાહેરનામા મુજબ, જે રસ્તાઓ પર આ નિયમ લાગુ કરવામાં આવ્યો છે ત્યાં:

એકી તારીખે (1, 3, 5…): રસ્તાની ડાબી બાજુએ ટુ-વ્હીલર પાર્ક કરી શકાશે.

બેકી તારીખે (2, 4, 6…): રસ્તાની જમણી બાજુએ ટુ-વ્હીલર પાર્ક કરી શકાશે.

કયા વિસ્તારોમાં લાગુ પડશે આ નિયમ?

શહેરના નીચે મુજબના મુખ્ય આઠ માર્ગો પર આ નિયમ તાત્કાલિક અસરથી લાગુ થશે:

સરદાર રોડ: જૂના બસ સ્ટેન્ડથી નહેરુ ગેઇટ ચોક સુધી.

મુખ્ય બજાર: શક્તિ ચોક / ખાટકીવાસ ચોકથી ત્રિકોણ બાગ, નહેરુ ગેઇટ અને ગાંધી ચોક સુધી.

શનાળા રોડ: ગાંધી ચોકથી મહેશ હોટલ સુધી.

રવાપર રોડ: ગાંધી ચોકથી મામા ફટાકડાની દુકાન થઈ વોકળાના પુલ સુધી.

નવા ડેલા રોડ: સૌરાષ્ટ્ર હેર ડ્રેસરથી ગાંધી ચોક સુધી.

અયોધ્યાપુરી મેઈન રોડ: પનારા પાનથી નવા ડેલા રોડ સુધી.

સુપર ટોકીઝ રોડ: સી.પી.આઈ. કચેરીથી સુપર ટોકીઝ સુધી.

ગ્રીન ચોક રોડ: નહેરુ ગેઇટથી ગ્રીન ચોક સુધી.

નિયમભંગ બદલ થશે કાર્યવાહી

જિલ્લા મેજિસ્ટ્રેટ આર. જે. માકડિયા દ્વારા સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે, જો કોઈ પણ નાગરિક આ જાહેરનામાનો ભંગ કરશે, તો તેની સામે ગુજરાત પોલીસ અધિનિયમની કલમ-૧૩૧ હેઠળ કડક શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવશે.

શહેરની વ્યવસ્થા જાળવવા અને ટ્રાફિક જામની સમસ્યાથી બચવા માટે પોલીસ તંત્ર દ્વારા નાગરિકોને સહકાર આપવા અપીલ કરવામાં આવી છે.

RELATED ARTICLES

Most Popular