HomeMorbiમોરબીમાં 8 લાખની લૂંટનો ભેદ ઉકેલાયો: દુકાનદારે જ આપી હતી ‘ટીપ’, પોલીસે...

મોરબીમાં 8 લાખની લૂંટનો ભેદ ઉકેલાયો: દુકાનદારે જ આપી હતી ‘ટીપ’, પોલીસે 3 આરોપીઓને ઝડપી પાડ્યા

મોરબીના સરતાનપર રોડ પર ગત 18 મેના રોજ થયેલી 8 લાખ રૂપિયાની ફિલ્મી અંદાજની લૂંટનો ભેદ આખરે મોરબી પોલીસે ઉકેલી નાખ્યો છે. મની કલેક્શન કરીને પરત ફરી રહેલા યુવકને ટાર્ગેટ બનાવી સ્વિફ્ટ કારથી ટક્કર મારી રૂપિયા ભરેલો થેલો લૂંટી લેવાયો હતો. આ સમગ્ર કાવતરાનો માસ્ટરમાઈન્ડ ફરિયાદી જ્યાં છેલ્લે કલેક્શન માટે ગયો હતો તે દુકાનનો જ વ્યક્તિ નીકળતા સમગ્ર મામલે ચકચાર મચી ગઈ છે.

મોરબી DYSP દ્વારા યોજાયેલી પ્રેસ કોન્ફરન્સમાં ખુલાસો કરવામાં આવ્યો હતો કે, ફરિયાદી રોજની જેમ અલગ અલગ જગ્યાએથી મની કલેક્શન કરીને અંદાજે 8 લાખ રૂપિયા લઈને એક્ટિવા પર નીકળ્યા હતા. ત્યારે સતાપર રોડ પર અવાવરુ જગ્યાએ પાછળથી ધસી આવેલી સ્વિફ્ટ કારમાં સવાર શખ્સોએ એક્ટિવાને ટક્કર મારી હતી. ફરિયાદી નીચે પટકાતા જ આરોપીઓએ બળજબરીથી રૂપિયા ભરેલો થેલો ઝૂંટવી ફરાર થઈ ગયા હતા.

દુકાનદારે જ રચ્યું હતું આખું ષડયંત્ર

પોલીસ તપાસમાં બહાર આવ્યું કે, ફરિયાદી જ્યાં છેલ્લે પૈસાનું કલેક્શન કરવા ગયો હતો તે એસેસરીઝની દુકાનના માલિકે જ લૂંટની ટીપ આપી હતી. આરોપી હેમરાજ ઉર્ફે હેમરાજ સોનરામ મેઘવાલે ફરિયાદી પૈસા લઈને નીકળ્યા હોવાની માહિતી આરોપી જસરાજ ઉર્ફે જશવંત ચૌધરીને આપી હતી. જસરાજ રસ્તામાં આગળ ઊભો રહી કારમાં સવાર આરોપીઓને લાઈવ માહિતી આપતો હતો. ત્યારબાદ આરોપીઓએ પ્લાન મુજબ લૂંટને અંજામ આપ્યો હતો.

આર્થિક સંકડામણમાંથી બહાર આવવા માટે તમામ આરોપીઓએ ભેગા મળી આ ગુનાખોરીનું કાવતરું રચ્યું હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે.

3 આરોપીઓ ઝડપાયા, 2 હજુ ફરાર

પોલીસે આ કેસમાં હેમરાજ ઉર્ફે હેમરાજ સોનરામ મેઘવાલ (રાજસ્થાન) – ટીપ આપનાર, જસરાજ ઉર્ફે જશવંત ચૌધરી (રાજસ્થાન) – માહિતી પાસ કરનાર, રિકેન ઉર્ફે ભૂદેવ સંજયભાઈ દવે (મોરબી) – લૂંટને અંજામ આપનાર, એમ કુલ 3 આરોપીઓને ઝડપી પાડ્યા છે. પકડાયેલા આરોપીઓ પાસેથી પોલીસે રૂ. 1.55 લાખ રોકડા અને રૂ. 60 હજારની કિંમતના 3 મોબાઈલ ફોન સહિત મુદ્દામાલ કબ્જે કર્યો છે.

CCTV અને હ્યુમન ઈન્ટેલિજન્સથી ગુનો ડીટેક્ટ. બનાવ બાદ મોરબી તાલુકા પોલીસ, એલસીબી, એસઓજી અને ડિસ્ટ્રિક્ટ સ્ટાફની અલગ અલગ ટીમો બનાવી તપાસ શરૂ કરવામાં આવી હતી. પોલીસે CCTV ફૂટેજ, ટેક્નિકલ સર્વેલન્સ અને હ્યુમન ઈન્ટેલિજન્સના આધારે ગણતરીના દિવસોમાં જ ગુનાનો ભેદ ઉકેલી નાખ્યો છે.

હાલ કારમાં હાજર અને ફરાર આરોપી માંગીલાલ અને ધનારામને ઝડપી પાડવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે. સાથે જ લૂંટમાં વપરાયેલી સ્વિફ્ટ કાર અને તેની નંબર પ્લેટ અંગે પણ તપાસ તેજ કરવામાં આવી છે. પોલીસે આરોપીઓના રિમાન્ડ મેળવી અગાઉના ગુનાઓ અને અન્ય કોઈ સંડોવણી છે કે નહીં તે દિશામાં વધુ તપાસ હાથ ધરી છે.

RELATED ARTICLES

Most Popular