HomeMorbiમોરબી સિરામિક એસો. દ્વારા આઈજી ચિરાગ કોરડિયાનું ઉષ્માભર્યું સ્વાગત, ઉદ્યોગના વિકાસ અને...

મોરબી સિરામિક એસો. દ્વારા આઈજી ચિરાગ કોરડિયાનું ઉષ્માભર્યું સ્વાગત, ઉદ્યોગના વિકાસ અને પડકારો પર થઈ મહત્વપૂર્ણ ચર્ચા

તાજેતરમાં મોરબી જિલ્લાનો રાજકોટ રેન્જમાંથી કચ્છ બોર્ડરમાં સમાવેશ કરવામાં આવ્યો છે. તે અનુસંધાને આજે મોરબીની મુલાકાતે પધારેલા કચ્છ બોર્ડરના રેન્જ આઈજી ચિરાગ કોરડિયા નું મોરબી સિરામિક એસોસિએશન દ્વારા ભગવાન રામજીની પવિત્ર પ્રતિમા અર્પણ કરી ઉષ્માભર્યું સ્વાગત અને સન્માન કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે મોરબી સિરામિક એસોસિએશનના પ્રમુખ મનોજ એરવાડિયા, અજય મારવણિયા તથા પરેશ ઘોડાસરા દ્વારા મોરબીના વિશ્વવિખ્યાત સિરામિક ઉદ્યોગ અંગે વિસ્તૃત માહિતી આપી હતી. દેશના નિકાસ ક્ષેત્રે અને રાજ્યના ઔદ્યોગિક વિકાસમાં મોરબી સિરામિક ઉદ્યોગના મહત્વપૂર્ણ યોગદાન અંગે માહિતગાર કરવામાં આવ્યા હતા. સાથે જ કચ્છ વિસ્તારમાંથી ઉદ્યોગ માટે આવતા વિવિધ પ્રકારના કાચા માલના પરિવહન અને પુરવઠા દરમિયાન સર્જાતી મુશ્કેલીઓ તથા તેના કારણે ઉદ્યોગને પડતા પડકારો અંગે વિગતવાર રજૂઆત કરવામાં આવી હતી.

આ દરમિયાન મોરબી જિલ્લા પોલીસ વડા મુકેશકુમારે પણ ચર્ચામાં સહભાગી બની જણાવ્યું હતું કે મોરબીનો સિરામિક ઉદ્યોગ હંમેશાં જિલ્લા વહીવટીતંત્ર અને વિવિધ સરકારી વિભાગો સાથે સંકલન અને સહયોગની ભાવના સાથે કાર્ય કરતો આવ્યો છે. ઉદ્યોગના વિકાસ અને જાહેર હિતના કાર્યોમાં પણ સિરામિક ઉદ્યોગકારોનું યોગદાન નોંધપાત્ર રહ્યું હોવાનું તેમણે જણાવ્યું હતું.

રેન્જ આઈજી ચિરાગ કોરડિયા સાહેબે ઉદ્યોગકારોની રજૂઆતો ધ્યાનપૂર્વક સાંભળી હતી અને મોરબીના સિરામિક ઉદ્યોગને કોઈપણ પ્રકારની અનાવશ્યક મુશ્કેલી ન પડે તે માટે પોલીસ તંત્ર તરફથી શક્ય તમામ સહયોગ અને માર્ગદર્શન પૂરું પાડવામાં આવશે તેવી ખાતરી વ્યક્ત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે મોરબીનો સિરામિક ઉદ્યોગ માત્ર ગુજરાત જ નહીં પરંતુ સમગ્ર દેશના ઔદ્યોગિક વિકાસમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહ્યો છે. ઉદ્યોગને લગતા પ્રશ્નોના યોગ્ય અને ઝડપી નિરાકરણ માટે પોલીસ તંત્ર હકારાત્મક અભિગમ સાથે કાર્ય કરશે તેવી પણ તેમણે ખાતરી આપી હતી.

આ મુલાકાત સૌહાર્દપૂર્ણ અને રચનાત્મક વાતાવરણમાં સંપન્ન થઈ હતી, જેમાં ઉદ્યોગ અને વહીવટી તંત્ર વચ્ચે વધુ સારા સંકલન, સંવાદ અને સહકારની ભાવના વધુ મજબૂત બની હતી. મોરબી સિરામિક એસોસિએશન દ્વારા રેન્જ આઈજી ચિરાગ કોરડિયા સાહેબ તેમજ જિલ્લા પોલીસ વડા મુકેશકુમારનો આ મુલાકાત બદલ આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો અને ભવિષ્યમાં પણ ઉદ્યોગના હિતમાં સતત સહયોગ અને માર્ગદર્શન મળતું રહેશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી હતી.

RELATED ARTICLES

Most Popular