HomeMorbiમેઘપર ઝાલા ડબલ મર્ડર કેસમાં પોલીસને મોટી સફળતા: કાકા- ભત્રીજાની હત્યાના બંને...

મેઘપર ઝાલા ડબલ મર્ડર કેસમાં પોલીસને મોટી સફળતા: કાકા- ભત્રીજાની હત્યાના બંને મુખ્ય આરોપી ઝડપાયા

ટંકારા તાલુકાના મેઘપર ઝાલા ગામે જમીન માપણી અને શેઢાના વિવાદને લઈ કાકા-ભત્રીજાની છરીના ઘા ઝીંકી કરાયેલી નિર્મમ હત્યાના કેસમાં ટંકારા પોલીસે નોંધપાત્ર સફળતા મેળવી છે. ઘટનાના મુખ્ય આરોપી અને સગા ભાઈઓ મહાવીરસિંહ મહેન્દ્રસિંહ ઝાલા તથા તેજપાલસિંહ મહેન્દ્રસિંહ ઝાલા, બંનેને પોલીસે ઝડપી પાડી લીધા છે.

આ અંગે ફરિયાદી દિગ્વિજયસિંહ પ્રતાપસિંહ ઝાલાની ફરિયાદના આધારે ટંકારા પોલીસ સ્ટેશનમાં BNS કલમ 103(1), 3(5) તેમજ જી.પી. એક્ટ કલમ 135 હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખી મોરબી જિલ્લા પોલીસ અધિક્ષકના માર્ગદર્શન હેઠળ ટંકારા પોલીસ ઇન્સ્પેક્ટર જીતેન્દ્રસિંહ દિલુભા ઝાલા અને તેમની ટીમે આરોપીઓને શોધવા માટે વિશેષ ઓપરેશન હાથ ધર્યું હતું.

પોલીસે ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે ઘટના બાદ મોટરસાઇકલ પર ફરાર થયેલા બંને આરોપીઓનું લોકેશન ટ્રેસ કરી તેમને ઝડપી પાડવામાં સફળતા મેળવી છે. હાલ પોલીસે આરોપીઓ પાસેથી હત્યામાં વપરાયેલ તીક્ષ્ણ હથિયાર અને મોટરસાઇકલ કબજે કરવાની કાર્યવાહી હાથ ધરી છે. તેમજ ધરપકડ કરાયેલા મહાવીરસિંહ અને તેજપાલસિંહ ઝાલાને નામદાર કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ મેળવવાની તજવીજ ચાલી રહી છે. સાથે જ આ ડબલ મર્ડર કેસમાં અન્ય કોઈ વ્યક્તિની સંડોવણી કે મદદગારી હતી કે નહીં તે મુદ્દે પણ પોલીસ દ્વારા સઘન તપાસ કરવામાં આવી રહી છે.

RELATED ARTICLES

Most Popular