HomeMorbiમોરબી કોર્ટનો ઐતિહાસિક ચુકાદો: માસૂમ બાળકી પર અત્યાચાર ગુજારનાર નરાધમને ૨૦ વર્ષની...
મોરબી કોર્ટનો ઐતિહાસિક ચુકાદો: માસૂમ બાળકી પર અત્યાચાર ગુજારનાર નરાધમને ૨૦ વર્ષની સખત કેદ અને રૂ. ૪.૧૬ લાખનું વળતર
મોરબી: વાંકાનેર તાલુકામાં વર્ષ ૨૦૧૬માં એક ૭ વર્ષની માસૂમ બાળકીને ફોસલાવી, અપહરણ કરી ઝાડીઓમાં લઈ જઈ સૃષ્ટિક્રમ વિરૂધ્ધનું કૃત્ય અને ઉગ્ર જાતીય હુમલો કરવાના ગંભીર ગુનામાં મોરબીની સ્પેશિયલ પોક્સો અદાલતે આરોપીને કડક સજા ફટકારી છે. બીજા અધિક સેશન્સ જજ કમલ રસીકલાલ પંડયાની કોર્ટે તમામ પુરાવાઓ ધ્યાને રાખી આરોપીને ૨૦ વર્ષની સખત કેદની સજા અને ભોગ બનનાર બાળકીને કુલ રૂ. ૪,૧૬,૦૦૦ વળતર ચૂકવવાનો આદેશ કર્યો છે.
અપહરણ કરી આચરીત કર્યું હતું ઘૃણાસ્પદ કૃત્ય આ કેસની વિગત એવી છે કે, તા. ૨૭-૧૧-૨૦૧૬ના રોજ સાંજે ૪:૦૦ થી ૬:૦૦ વાગ્યાના સમયગાળા દરમિયાન આરોપી શેરસીંગ ભોપાસિંહ સીસોદીયા (ઉ.વ. ૨૩, રહે. હાલ ઢુવા, તા. વાંકાનેર, મુળ રહે. મધ્યપ્રદેશ) એ ફરીયાદીની ૭ વર્ષની સગીર વયની દીકરીને લલચાવી-ફોસલાવીને બાવળની ઝાડીમાં અપહરણ કરી ગયો હતો. ત્યાં તેણે માસૂમ બાળકીના છાતી અને ગુદાના ભાગે શારીરિક ઇજાઓ પહોંચાડી સૃષ્ટિક્રમ વિરૂધ્ધનું કૃત્ય અને ઉગ્ર પ્રવેશ જાતીય હુમલો કર્યો હતો. આ અંગે વાંકાનેર તાલુકા પોલીસ મથકે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
જુદી-જુદી કલમો હેઠળ ફટકારાઈ આકરી સજા કોર્ટે આરોપી શેરસીંગ સીસોદીયાને અલગ-અલગ કલમો હેઠળ દોષિત ઠેરવી નીચે મુજબની સજાઓ ફટકારી છે:
IPC કલમ-૩૬૩ (અપહરણ): ૦૩ વર્ષની સખત કેદ અને રૂ. ૧,૦૦૦ દંડ.
IPC કલમ-૩૭૭ (સૃષ્ટિક્રમ વિરૂધ્ધનું કૃત્ય): ૦૭ વર્ષની સખત કેદ અને રૂ. ૧,૦૦૦ દંડ.
પોક્સો એક્ટ કલમ-૩(એ) સાથે વાંચતા કલમ-૪: ૨૦ વર્ષની સખત કેદ અને રૂ. ૫,૦૦૦ દંડ.
પોક્સો એક્ટ કલમ-૫(એમ) સાથે વાંચતા કલમ-૬ (ઉગ્ર જાતીય હુમલો): ૨૦ વર્ષની સખત કેદ અને રૂ. ૧,૦૦૦ દંડ.
પોક્સો એક્ટ કલમ-૮ તથા કલમ-૯(એમ) સાથે વાંચતા કલમ-૧૦: અનુક્રમે ૦૩ વર્ષ અને ૦૭ વર્ષની સખત કેદ તેમજ દંડની સજા ફટકારવામાં આવી છે.
ન્યાયાધીશે આદેશમાં સ્પષ્ટ કર્યું છે કે આરોપીને ફટકારવામાં આવેલી આ તમામ સજાઓ એક સાથે ભોગવવાની રહેશે, જેથી આરોપીએ મહત્તમ ૨૦ વર્ષ જેલમાં વિતાવવા પડશે.
ભોગ બનનાર માસૂમને મળશે રૂ. ૪.૧૬ લાખનું વળતર અદાલતે માનવતાવાદી અભિગમ અપનાવીને ‘ગુજરાત ભોગ બનનાર વળતર યોજના, ૨૦૧૯’ અંતર્ગત ભોગ બનનાર બાળકીને રૂ. ૪,૦૦,૦૦૦નું આર્થિક વળતર આપવાનો આદેશ કર્યો છે. આ ઉપરાંત, આરોપી દ્વારા ભરવામાં આવનારી દંડની કુલ રકમ રૂ. ૧૬,૦૦૦ પણ બાળકીને ચૂકવવામાં આવશે, જેથી તેને કુલ રૂ. ૪,૧૬,૦૦૦ વળતર પેટે મળશે. આ રકમ જીલ્લા કાનુની સેવા સતા મંડળ, મોરબી મારફતે બાળકીના નામે અકાઉન્ટ પેઈ ચેકથી ચૂકવવામાં આવશે. કોર્ટે આ ચુકાદો તા. ૧૨-૦૬-૨૦૨૬ના રોજ ખુલ્લી અદાલતમાં જાહેર કર્યો છે.
સરકારી વકીલની ધારદાર દલીલો અને કાયદાકીય કામગીરી રહી મહત્વની આ સમગ્ર કેસમાં ભોગ બનનાર પક્ષે ન્યાય અપાવવામાં સરકારી વકીલ (મદદનીશ સરકારી વકીલ, મોરબી) નિજ ડી. કારીઆ ની કામગીરી ખૂબ જ મહત્વની અને પ્રશંસનીય રહી હતી. સરકાર પક્ષ તરફથી કુલ ૧૪ મૌખિક પુરાવાઓ અને ૩૦ દસ્તાવેજી પુરાવાઓ કોર્ટ સમક્ષ અત્યંત સચોટ રીતે રજૂ કરવામાં આવ્યા હતા. સરકારી વકીલની ધારદાર દલીલો, કાયદાકીય સમજ અને પુરાવાઓની મજબૂત પ્રસ્તુતિને પગલે નરાધમ આરોપીને તેની કરતૂતોની આકરી સજા અપાવવામાં સફળતા મળી છે, જેનાથી કાયદાની ગરિમા વધુ મજબૂત થઈ છે.