મોરબીમાં સ્પા સેન્ટરો પર પોલીસ તંત્રે કડક નજર રાખવાની શરૂઆત કરી છે. શનાળા રોડ પર આવેલા એક સ્પા સેન્ટરમાં SOG દ્વારા કરાયેલા ઓચિંતાં ચેકિંગ દરમિયાન જિલ્લા મેજિસ્ટ્રેટના જાહેરનામાનું ઉલ્લંઘન સામે આવતા સ્પા સંચાલક વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો છે.
આ અંગે મળતી માહિતી મુજબ મોરબી એસ.ઓ.જી પોલિસ ટીમ પેટ્રોલીંગમાં હોય તે દરમિયાન શનાળા રોડ પર ‘મહેશ હોટેલ’ ની બાજુમાં આવેલા ધર્મેન્દ્ર પ્લાઝાના બીજા માળે “ડાઉન ટાઉન સ્પા” (Down Town Spa) માં તપાસ હાથ ધરવામાં આવી હતી. જેમાં સ્પામાં કામ કરતી મહિલા કે અન્ય વર્કરોના બાયોડેટા ફોર્મ ભરીને પોલીસ સ્ટેશનમાં નોંધ કરાવવી ફરજિયાત હોવા છતાં, બે કર્મચારીઓની આવી કોઈ નોંધ કરાવવામાં આવી નહોતી. તેમજ જિલ્લા મેજિસ્ટ્રેટના જાહેરનામા મુજબ સ્પા સેન્ટરોમાં સીસીટીવી કેમેરાનું રેકોર્ડિંગ રાખવું અનિવાર્ય છે, પરંતુ આ સ્પામાં જાહેરનામા મુજબનો કોઈ ડેટા ઉપલબ્ધ નહોતો જેથી જિલ્લા મેજિસ્ટ્રેટ મોરબીના જાહેરનામાનું પાલન ન કરવા બદલ આરોપી આરીફભાઈ ગુલામભાઈ બેલીમ ( ઉંમર: ૨૬ વર્ષ) રહે. બી-૧૦૧, ઓમકાર રેસિડન્સી, લીલાપર રોડ, તા.જી. મોરબીવાળા વિરૂદ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

