HomeMorbiવાંકાનેરમાં વ્યાજખોરીનો ગંભીર મામલો: રૂ.૧૦ લાખ સામે રૂ.૩૫ લાખ ચૂકવ્યા, છતાં વધુ...

વાંકાનેરમાં વ્યાજખોરીનો ગંભીર મામલો: રૂ.૧૦ લાખ સામે રૂ.૩૫ લાખ ચૂકવ્યા, છતાં વધુ રૂ.૧૫.૫૦ લાખની ઉઘરાણીનો આક્ષેપ

વાંકાનેર: મકાન બનાવવા અને મજૂરોના પગાર ચૂકવવા માટે લીધેલા રૂ.૧૦ લાખના ધિરાણ સામે વ્યાજ સહિત રૂ.૩૫ લાખ ચૂકવી દીધા હોવા છતાં વધુ રૂ.૧૫.૫૦ લાખની ઉઘરાણી કરી જાનથી મારી નાખવાની ધમકી આપ્યાનો ગંભીર આક્ષેપ વાંકાનેરમાં સામે આવ્યો છે. સીરામિક ઉદ્યોગમાં લેબર કોન્ટ્રાક્ટર તરીકે કામ કરતા દેવેન્દ્રભાઈ બળવંતભાઈ સગરે કરેલી ફરિયાદના આધારે રાજકોટ જેલમાં બંધ સરફરાજ હુશેનભાઈ મકવાણા સહિત ચાર વ્યક્તિઓ સામે વાંકાનેર સીટી પોલીસ મથકમાં ગુનો નોંધાયો છે.

ફરિયાદ મુજબ, માર્ચ ૨૦૨૨માં દેવેન્દ્રભાઈએ પોતાના બાળપણના મિત્ર સરફરાજ મકવાણા પાસેથી ૧૦ ટકા માસિક વ્યાજે રૂ.૮ લાખ લીધા હતા. ત્યારબાદ વધુ રૂ.૨ લાખનું ધિરાણ મેળવ્યું હતું. ફરિયાદી દર મહિને રૂ.૧ લાખ વ્યાજ ચૂકવતા હોવાનો ઉલ્લેખ ફરિયાદમાં કરવામાં આવ્યો છે.

દરમિયાન સરફરાજ મર્ડર કેસમાં જેલમાં જતાં ઉઘરાણીની જવાબદારી પુનીતભાઈએ સંભાળી હોવાનો આક્ષેપ છે. દેવેન્દ્રભાઈએ ફાઇનાન્સ કંપનીઓમાંથી લોન લઈને અને પત્નીના સોનાના દાગીના ગીરવે મૂકીને રૂ.૨૫ લાખ ચૂકવ્યા હતા. ત્યારબાદ સાકીરભાઈ ઇકબાલભાઈ ઘોઘાણી અને રમજાન ઉર્ફે રમજુને ઉઘરાણી સોંપાઈ હતી. આ દરમિયાન સાકીર ઘોઘાણીને વધુ રૂ.૮ લાખ ચૂકવ્યા હોવાનો પણ ફરિયાદમાં ઉલ્લેખ છે.

ફરિયાદમાં વધુમાં આક્ષેપ કરાયો છે કે સરફરાજ મકવાણા પેરોલ પર બહાર આવ્યો ત્યારે ઢુવા ચોકડી પાસે દેવેન્દ્રભાઈને બોલાવી છરી બતાવી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. અત્યાર સુધીમાં રૂ.૩૫ લાખ ચૂકવ્યા હોવા છતાં વધુ રૂ.૧૫.૫૦ લાખની માંગણી કરીને ફરિયાદી તથા તેમના પરિવારને ધમકાવવામાં આવ્યા હોવાનો આક્ષેપ છે.

આ મામલે વાંકાનેર સીટી પોલીસે સરફરાજ હુશેનભાઈ મકવાણા, પુનીતભાઈ, સાકીરભાઈ ઇકબાલભાઈ ઘોઘાણી અને રમજાન ઉર્ફે રમજુ સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. સમગ્ર મામલે પોલીસ તપાસ આગળ ધપી રહી છે.

RELATED ARTICLES

Most Popular