HomeMorbiમોરબીમાં કરુણાંતિકા: પ્રસૂતિ દરમિયાન માતા અને નવજાત બાળકીનું મોત, પરિવાર પર તૂટી...
મોરબીમાં કરુણાંતિકા: પ્રસૂતિ દરમિયાન માતા અને નવજાત બાળકીનું મોત, પરિવાર પર તૂટી પડ્યો આભ
મોરબી તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં રહેતી યુવતીને અચાનક તાવ અને ઠંડી લાગતા સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. જોકે, તપાસ દરમિયાન યુવતી ગર્ભવતી હોવાનું અને તેની તબિયત ગંભીર હોવાનું સામે આવતા વધુ સારવાર માટે રાજકોટની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. જ્યાં પ્રસૂતિ દરમિયાન યુવતીએ મૃત બાળકીને જન્મ આપ્યો હતો અને ગણતરીના કલાકોમાં યુવતીનું પણ મોત નીપજતા એક જ સાથે બે જિંદગીઓનો કરુણ અંત આવ્યો હતો. આ બનાવથી પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે.
પ્રાપ્ત વિગતો મુજબ મૂળ અમદાવાદ જિલ્લાના બગોદરાના વતની અને હાલ મોરબી તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં રહેતા ધારાબેનને ગત તા. ૦૫/૧૧ના રોજ રાત્રિના આશરે ૧૦ વાગ્યે તાવ સાથે ઠંડી લાગતા સારવાર અર્થે મોરબીની આશીર્વાદ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. જ્યાં ફરજ પરના તબીબે તપાસ કરતાં તેઓ ગર્ભવતી હોવાનું સામે આવ્યું હતું. તબીબી સ્થિતિ ગંભીર જણાતા વધુ સારવાર માટે પ્રથમ મોરબી અને ત્યારબાદ રાજકોટની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. રાજકોટ ખાતે સારવાર દરમિયાન ધારાબેને મૃત બાળકીને જન્મ આપ્યો હતો. ત્યારબાદ પ્રસૂતિની પીડા અને શારીરિક તકલીફો વચ્ચે તા. ૦૬/૧૧ના રોજ સવારે ૭:૧૦ કલાકે ધારાબેનનું પણ મૃત્યુ નીપજ્યું હતું. એક જ ઘટનામાં માતા અને નવજાત બાળકીના મોતથી પરિવાર પર દુઃખનો પહાડ તૂટી પડ્યો છે. બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે.