મોરબી શહેરના પાડાપુલ ઉપર બનેલા અકસ્માત બાદ સારવાર હેઠળ રહેલા મદદનીશ ઈજનેરને અચાનક હૃદયમાં તકલીફ થતાં તેમનું મૃત્યુ થતાં અરેરાટી વ્યાપી ગઈ છે.
મળતી વિગતો મુજબ મોરબીના ચંદ્રેશનગર યદુનંદનમાં રહેતા રાહુલભાઈ મનસુખભાઈ પરમાર (ઉ. ૬૮) નર્મદા યોજનામાં મદદનીશ ઈજનેર તરીકે ફરજ બજાવતા હતા. તા. 26ના રોજ બપોરે તેઓ એક્ટિવા લઈને ઓફિસ જતાં હતાં ત્યારે પાડાપુલ પાસે આગળ જતા સાજીદભાઈ મેમણ મોટરસાયકલ ચાલકે સાઈડ ન આપતાં, એક્ટિવા જમણી બાજુથી ઓવરટેક કરતી વખતે મોટરસાયકલના હેન્ડલ સાથે અથડાઈ ગઈ હતી.
અકસ્માતમાં એક્ટિવા બેકાબુ થઈ લોખંડની રેલિંગ સાથે અથડાતા રાહુલભાઈને ગંભીર ઇજાઓ થઈ હતી. તેમને તાત્કાલિક ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. સારવાર દરમિયાન અચાનક હૃદયમાં તકલીફ ઉભી થતા તેમને અન્ય ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા, જ્યાં તેમનું મૃત્યુ નિપજ્યું હતું.
બનાવ અંગે મૃતકના પિતાએ સીટી બી ડિવિઝન પોલીસ મથકે જાણ કરતા પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધ્યો છે અને તપાસ શરૂ કરી છે.




