વિશ્વના બીજા નંબરના સૌથી મોટા સીરામીક ઉદ્યોગ માટે જાણીતું મોરબી શહેર હાલમાં મંદીના જાળીમાં ફસાયું છે. અગાઉની કોલગેસ પ્લાન્ટ સંબંધિત કેસમાં એનજીટીના દંડનો પ્રશ્ન હજુ ઉકેલાયો નથી, ત્યારે મોરબીના કેટલાક ઉદ્યોગપતિઓએ સસ્તાભાવે માલ ઉત્પાદન કરવા માટે પેટ્રોલિયમ કોલસો (પેટકોક)નો ઉપયોગ શરૂ કર્યો. આ મામલે અનેક ફરિયાદો મળતાં ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ (GPCB)એ કડક કાર્યવાહી હાથ ધર્યા છે.
GPCB દ્વારા 15થી વધુ ફેક્ટરીઓમાં તપાસ કરવામાં આવી હતી, જેમાં નવ ફેક્ટરીઓમાં પેટકોકનો ગેરકાયદેસર ઉપયોગ સામે આવ્યો. નવી તપાસ બાદ આ નવેય ફેક્ટરીઓને તરત જ સીલ કરાવી દીધી હતી. જેમાં 2 લઘુ ઉદ્યોગોને 10-10 લાખ રૂપિયા દંડ ફટકારાયો છે તેમજ 7 મધ્યમ ઉદ્યોગોને 15-15 લાખ સહિત કુલ રૂ. 1.25 કરોડ દંડ ફટકારવામાં આવ્યો છે.
મોરબીના કેટલાક ઉદ્યોગપતિઓ હાલના મંદીના સમયમાં ટકી રહેવા અને અન્ય ઉદ્યોગકારોથી સ્પર્ધા જાળવવા માટે સસ્તાભાવે માલ વેચવા માટે પાઈપલાઇન નેચરલ ગેસ અને એલપીજી ગેસની જગ્યાએ પેટકોકનો ઉપયોગ શરૂ કર્યો હતો. પૂર્વે મોરબીના સીરામીક એકમોમાં કોલગેસનો ઉપયોગ થતો, પરંતુ એનજીટીના આદેશ પછી ગેસ પર જ ધ્યાન આપવામાં આવ્યું હતું.
પેટકોકનો ઉપયોગ બોઈલર, ફરનેસ અને પાવર જનરેશન માટે થાય છે. પેટકોકમાં સલ્ફર અને અન્ય પ્રદૂષકો વધુ માત્રામાં હોવાના કારણે હવામાં PM 2.5 નું પ્રમાણ વધે છે, જે માનવ આરોગ્ય અને પર્યાવરણ માટે હાનિકારક છે.
ભારત સરકાર અને નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ દ્વારા પેટકોકના ઉપયોગ પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. જો કોઈ ફેક્ટરી ગેરકાયદેસર પેટકોકનો ઉપયોગ કરે છે, તો Environmental Protection Act, 1986 અને Air Prevention & Control of Pollution Act, 1981 હેઠળ ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ અને સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડ દ્વારા કાર્યવાહી કરવામાં આવે છે.
મોરબીના ઉદ્યોગપતિઓની આ ગેરકાયદેસર પ્રવૃત્તિએ ફક્ત પર્યાવરણને જ નુકસાન પહોંચાડ્યું નથી, પરંતુ અન્ય ઉદ્યોગકારોની સ્પર્ધા પર પણ અસરો પાડી છે. GPCB દ્વારા કડક કાર્યવાહી થવાથી ઉદ્યોગપતિઓને પર્યાવરણના નિયમોનું પાલન કરવાની મહત્વની ચેતવણી મળી છે.




