મોરબી મહેન્દ્રનગર ચોકડી પાસે મહેન્દ્રનગરથી મોરબી–કંડલા હાઈવે તરફ જતા નવા બનતા રોડ પર સગીર બાળ–કિશોરોને મજુર તરીકે રાખી કામ કરાવતા લેબર કોન્ટ્રાકટર વિરુદ્ધ મોરબી સિટી બી ડિવિઝન પોલીસે ગુન્હો નોંધ્યો છે.
મળતી માહિતી મુજબ, પોલીસ પેટ્રોલિંગ દરમિયાન સગીર બાળકો રોડ પર મજુરી કરતા નજરે પડ્યા બાદ તપાસ હાથ ધરવામાં આવી હતી. તપાસમાં જાણવા મળ્યું કે આરોપી સુરેશભાઈ રામસિંગભાઈ રાઠોડ (ઉ.૩૧, રહે. સરોરી રાઠોડ ફળીયું, જી. દાહોદ) લેબર કોન્ટ્રાકટનો ધંધો કરે છે અને તેણે જાણતા હોવા છતાં સગીર વયના બાળ–કિશોરોને કામે લગાડ્યા હતા.
બાળકો પાસેથી ડામર કામ, પથ્થરો હટાવવાનું અને સફાઈ જેવી મજુરી લેવાતા, તેમનું શારીરિક તેમજ આર્થિક શોષણ થતું હોવાનું બહાર આવ્યું છે.
આ બનાવને પગલે પોલીસએ આરોપી વિરુદ્ધ બાળ અને તરૂણ (પ્રતિબંધિત) કાયદા, 1986ની કલમ 3, 7 અને 14(1) તથા જુવેનાઇલ જસ્ટિસ (કેર એન્ડ પ્રોટેક્શન ઓફ ચિલ્ડ્રન) એક્ટ, 2015ની કલમ 79 હેઠળ ગુન્હો દાખલ કરી વધુ તપાસ શરૂ કરી છે.




