HomeMorbiમોરબી જિલ્લામાં ધોરણ 10 અને 12 બોર્ડની પરીક્ષાઓ આવતીકાલથી શરૂ 

મોરબી જિલ્લામાં ધોરણ 10 અને 12 બોર્ડની પરીક્ષાઓ આવતીકાલથી શરૂ 

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવાતી ધોરણ 10 અને 12ની પરીક્ષાઓ આવતીકાલ તારીખ 26 ફેબ્રુઆરીને ગુરુવારના રોજ થી પ્રારંભ થશે. આ માટે મોરબી જિલ્લા શિક્ષણ વિભાગ અને વહીવટી તંત્ર દ્વારા તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. જિલ્લામાં કુલ 22,870 વિદ્યાર્થીઓ દ્વારા પરીક્ષા આપવામાં આવશે.

આ અંગે જિલ્લા શિક્ષણ અધિકારીના જણાવ્યુ હતુ કે ધોરણ 10 અને ધોરણ 12 સામાન્ય અને વિજ્ઞાન પ્રવાહની બોર્ડની પરીક્ષાઓ માટે મોરબી જિલ્લા વહીવટી તંત્ર અને શિક્ષણ વિભાગ દ્વારા તમામ તૈયારીઓને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે. કલેક્ટર અને બોર્ડના અધિકારીઓના માર્ગદર્શન હેઠળ જિલ્લામાં 17 જેટલા પરીક્ષા કેન્દ્રો પર કુલ 22,870 વિદ્યાર્થીઓ શાંતિપૂર્ણ માહોલમાં પરીક્ષા આપી શકે તે માટે સુદ્રઢ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે પરીક્ષા કેન્દ્રો પર સીસીટીવી કેમેરા, સાફ-સફાઈ અને બેઠક વ્યવસ્થા સહિતની આનુષંગિક કામગીરી પૂર્ણ થઈ ગઈ છે. પરીક્ષામાં ગેરરીતિ અટકાવવા અને પારદર્શિતા જાળવવા માટે કલેક્ટર દ્વારા તમામ પરીક્ષા કેન્દ્રો પર વર્ગ-1 અને વર્ગ-2 ના અધિકારીઓની ઓબ્ઝર્વર તરીકે નિમણૂક કરવામાં આવી છે, જેમને ઓનલાઈન તાલીમ પણ અપાઈ છે. નોંધનીય બાબત એ છે કે, આ વખતે મોરબી જિલ્લામાં એક પણ કેન્દ્ર સંવેદનશીલ કે અતિ સંવેદનશીલ જાહેર કરવામાં આવ્યું નથી,

આ બોર્ડની પરીક્ષામાં SSC (ધોરણ 10): 10 કેન્દ્રો, 50 બિલ્ડીંગ, 415 બ્લોક, 14,014 વિદ્યાર્થીઓ તથા HSC સામાન્ય પ્રવાહ: 4 કેન્દ્રો, 25 બિલ્ડીંગ, 230 બ્લોક, 6,968 વિદ્યાર્થીઓ અને HSC વિજ્ઞાન પ્રવાહ: 3 કેન્દ્રો, 10 બિલ્ડીંગ, 98 બ્લોક, 1,888 વિદ્યાર્થીઓ તેમજ કુલ: 17 કેન્દ્રો, 85 બિલ્ડીંગ, 803 બ્લોક, 22,870 વિદ્યાર્થીઓ.

માળિયા તાલુકાના ધોરણ 10 ના વિદ્યાર્થીઓ માટે પીપળીયા ખાતે પરીક્ષા કેન્દ્ર ફાળવવામાં આવ્યું છે, પરંતુ ધોરણ 12 ના વિદ્યાર્થીઓ માટે માળિયામાં કેન્દ્ર ન હોવાથી તેમને 20 કિલોમીટર દૂર મોરબી આવવું પડે છે. વિદ્યાર્થીઓને પરીક્ષા સમયે મુસાફરીમાં કોઈ હાલાકી ન ભોગવવી પડે તે માટે કલેક્ટર દ્વારા એસ.ટી. વિભાગને ખાસ સૂચના આપવામાં આવી છે. એસ.ટી. તંત્રના સહકારથી પરીક્ષાર્થીઓ માટે સ્પેશિયલ બસની વ્યવસ્થા કરવામાં આવી છે.

મોરબી જિલ્લામાં ધો.10માં કુલ 39 દિવ્યાંગો બોર્ડની પરીક્ષા આપવાના છે. જેમાં મોરબીમાં 11, વાંકાનેરમાં 5, ટંકારામાં 8, હળવદમાં 7, ચંદ્રપુરમાં 4, ચરાડવામાં 2, પીપળીયા ચાર રસ્તામાં 2 દિવ્યાંગ છાત્રોનો સમાવેશ થાય છે. આ ઉપરાંત ધો.12માં સામાન્ય પ્રવાહમાં મોરબીમાં 8, વાંકાનેરમાં 3, હળવદમાં 3, ટંકારામાં 1 તેમજ વિજ્ઞાન પ્રવાહમાં હળવદ અને વાંકાનેરમાં એક-એક દિવ્યાંગ વિદ્યાર્થી પરીક્ષા આપવામાં છે. તેમજ મોરબી જિલ્લામાં 25 વિદ્યાર્થીઓ સંસ્કૃત ભાષામાં પરીક્ષા આપવાના છે. જેમાં ધો.10માં સંસ્કૃત પ્રથમા માં 15 અને ધો.12માં સંસ્કૃત મધ્યમામાં 10 વિદ્યાર્થી પરીક્ષા આપશે.

RELATED ARTICLES

Most Popular