HomeMorbiવાંકાનેર–મોરબી હાઈવે પર કરુણ અકસ્માત: રોંગસાઇડ દોડતી CNG રીક્ષાની ટક્કરે વૃદ્ધ બાઈક...
વાંકાનેર–મોરબી હાઈવે પર કરુણ અકસ્માત: રોંગસાઇડ દોડતી CNG રીક્ષાની ટક્કરે વૃદ્ધ બાઈક સવારનું મોત
વાંકાનેર–મોરબી નેશનલ હાઈવે પર નવાપરાની કટ નજીક વાસુકી દાદાના મંદિર પાસે થયેલા ગંભીર અકસ્માતમાં બાઈક સવાર વૃદ્ધનું મોત નિપજ્યું છે. ઘટનાને પગલે પરિવારમાં શોકની લાગણી ફેલાઈ છે અને પોલીસે રીક્ષા ચાલક વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે.
આ અંગે મળતી માહિતી મુજબ વાંકાનેરના કુંભારપરા વિસ્તારમાં રહેતા અને મજૂરી કામ કરતા મયુરભાઈ રામજીભાઈ મકવાણા (ઉ.વ. 36) એ વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદ અનુસાર તેમના કાકા વાલજીભાઈ રવજીભાઈ મકવાણા (ઉ.વ. 80), રહે. કુંભારપરા, વાંકાનેર, પોતાના મોટરસાયકલ નં. GJ-03-FC-8095 લઈને મજૂરી કામે જઈ રહ્યા હતા. તે દરમ્યાન વાંકાનેર–મોરબી નેશનલ હાઈવે પર નવાપરાની કટ પાસે વાસુકી દાદાના મંદિર નજીક આરોપી પોતાની CNG રીક્ષા (નં. GJ-36-U-1562) પુરઝડપે અને બેફીકરાઈથી રોંગ સાઇડમાં દોડાવી લાવ્યો હતો. રીક્ષાએ બાઈકને જોરદાર ટક્કર મારતા વાલજીભાઈને માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી હતી. સારવાર મળે તે પહેલાં જ તેમનું મોત નિપજ્યું હતું. જો કે અકસમાત બાદ આરોપી રીક્ષા સ્થળ પર મૂકી ફરાર થઈ ગયો હોવાની વિગતો સામે આવી છે. ફરિયાદના આધારે વાંકાનેર સીટી પોલીસે આરોપી વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.