HomeMorbiજામસર ગામે કરૂણ ઘટના: તૂટેલા વીજ તારના શોકથી પ્રૌઢનું મોત, બચાવવા ગયેલો...
જામસર ગામે કરૂણ ઘટના: તૂટેલા વીજ તારના શોકથી પ્રૌઢનું મોત, બચાવવા ગયેલો પુત્ર હોસ્પિટલમાં દાખલ
વાંકાનેર તાલુકાના જામસર ગામે વીજ શોક લાગવાથી એક પ્રૌઢનું કરૂણ મોત નિપજ્યું છે, જ્યારે તેમને બચાવવા ગયેલો પુત્ર ગંભીર હાલતમાં હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.
આ અંગે મળતી માહિતી મુજબ જામસર ગામના રહેવાસી વાઘજીભાઈ શીવાભાઈ દેલવાડીયા (ઉ.વ. 57) અને તેમના પુત્ર જયદેવભાઈ દેલવાડીયા (ઉ.વ. 24) ગામની સીમમાં આવેલી પોતાની વાડીએ હાજર હતા. તે દરમિયાન વાડીમાં નીરણ સળગતા તેને ઓલવવા માટે બંને ત્યાં પહોંચ્યા હતા. આ દરમિયાન વાડીમાંથી પસાર થતી જી.ઈ.બી.ની ત્રણ તારની વીજ લાઇનમાંથી એક તાર તૂટી જમીન પર પડેલો હતો. અચાનક વાઘજીભાઈનો પગ તે તાર પર પડતાં તેમને વીજ શોક લાગ્યો હતો, જેના કારણે ઘટના સ્થળે જ તેમનું મોત નિપજ્યું હતું. પિતાને બચાવવા માટે આગળ વધેલા પુત્ર જયદેવભાઈને પણ વીજ કરંટ લાગતા તેઓ બેભાન થઈ ગયા હતા. તેમને તાત્કાલિક સારવાર માટે રફાળેશ્વર હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જ્યાં હાલ તેઓ બેભાન હાલતમાં સારવાર હેઠળ હોવાનું જાણવા મળ્યું છે. આ બનાવની જાણ થતા વાંકાનેર તાલુકા પોલીસ ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે.