HomeMorbiચૂંટણી પહેલા વિકાસનો ધમાકો: મોરબીમાં રૂ. 106 કરોડના પ્રોજેક્ટનો ભવ્ય ખાતમુહૂર્ત!
ચૂંટણી પહેલા વિકાસનો ધમાકો: મોરબીમાં રૂ. 106 કરોડના પ્રોજેક્ટનો ભવ્ય ખાતમુહૂર્ત!
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ ગમે ત્યારે જાહેર થવાની સંભાવનાઓ વચ્ચે રાજ્યભરમાં વિકાસકામોની ગતિ તેજ બની છે. આ જ શ્રેણીમાં હવે મોરબી મહાનગરપાલિકાનો પણ ઉમેરો થયો છે, જ્યાં કરોડોના પ્રોજેક્ટ સાથે વિકાસની નવી દિશા નક્કી થવાની છે.
આગામી 28 માર્ચ, શનિવારે સાંજે 4:00 વાગ્યે સામાં કાંઠા વિસ્તારમાં આવેલા પંચમુખી હનુમાન મંદિર ખાતે વિશાળ જાહેર કાર્યક્રમ યોજાશે. આ પ્રસંગે મોરબી મહાનગરપાલિકા વિસ્તારમાં અંદાજે ₹106 કરોડના વિવિધ વિકાસલક્ષી પ્રકલ્પોનું ખાતમુહૂર્ત કરવામાં આવશે. શહેરના ઇન્ફ્રાસ્ટ્રક્ચર, રસ્તાઓ અને નાગરિક સુવિધાઓને મજબૂત બનાવવાના હેતુથી આ પ્રોજેક્ટોને મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યા છે.
કાર્યક્રમમાં રાજ્ય મંત્રી કાંતિભાઈ અમૃતિયા, જિલ્લા પ્રભારી મંત્રી ત્રિકમભાઈ છાંગા, કચ્છ-મોરબીના સાંસદ વિનોદભાઈ ચાવડા, રાજકોટના સાંસદ પરસોતમ રૂપાલા અને રાજ્યસભા સાંસદ કેસરીદેવસિંહ ઝાલા સહિતના આગેવાનો ઉપસ્થિત રહેશે. સાથે જ ટંકારા-પડધરીના ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયા અને અન્ય મહાનુભાવો પણ હાજર રહી વિકાસકાર્યોને લીલી ઝંડી આપશે.
મોરબીને મહાનગરપાલિકાનો દરજ્જો મળ્યા બાદ રાજ્ય સરકાર દ્વારા સતત ગ્રાન્ટ ફાળવાઈ રહી છે, જે શહેરના સર્વાંગી વિકાસ માટે સકારાત્મક સંકેત છે. છતાં, સ્થાનિક નાગરિકોમાં એક મહત્વની ચિંતા પણ જોવા મળે છે—આ કરોડોના કામો માત્ર કાગળ પર જ ન રહી જાય અને તેની ગુણવત્તા જળવાય. લોકોની અપેક્ષા છે કે કામ મજબૂત અને ટકાઉ બને, જેથી વારંવાર એક જ પ્રોજેક્ટ માટે પ્રજાના નાણાંનો વ્યય ન થાય.
હવે નજર ચૂંટણી પહેલા વિકાસ પર આવતા દિવસોમાં જોવા જેવું રહેશે કે ચૂંટણી પૂર્વે થનારા આ ખાતમુહૂર્તો મોરબીના વિકાસને કેટલી હદ સુધી વાસ્તવિક ગતિ આપે છે કે પછી માત્ર જાહેરાતો પૂરતી જ સીમિત રહે છે.