HomeMorbi“મયુરનગરી મોરબી” માટે ભાજપનું સંકલ્પ પત્ર જાહેર – આધુનિક, સ્વચ્છ અને આત્મનિર્ભર...
“મયુરનગરી મોરબી” માટે ભાજપનું સંકલ્પ પત્ર જાહેર – આધુનિક, સ્વચ્છ અને આત્મનિર્ભર શહેર તરફ મોટું વિઝન
Advertisement
Advertisement
મોરબી મહાનગરપાલિકાની આગામી 2026ની ચૂંટણીને લઈને ભારતીય જનતા પાર્ટી દ્વારા ભવ્ય અને વ્યાપક સંકલ્પ પત્ર જાહેર કરવામાં આવ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ‘વિકસિત ભારત @2047’ના સ્વપ્નને સાકાર કરવા મોરબીને ગુજરાતના નકશા પર આધુનિક, સ્વચ્છ અને આત્મનિર્ભર મહાનગર તરીકે વિકસાવવાનો દૃઢ નિશ્ચય વ્યક્ત કર્યો છે.
“ઉદ્યોગ ક્ષેત્રે હરણફાળ, પ્રગતિશીલ અને સૌરાષ્ટ્રનું પેરિસ – મયુરનગરી મોરબી”ના નારા સાથે ભાજપે શહેરના સર્વાંગી વિકાસ માટે અનેક મહત્વાકાંક્ષી યોજનાઓ રજૂ કરી છે.
માળખાકીય વિકાસનો બ્લૂપ્રિન્ટ
સંકલ્પ પત્રમાં શહેરના દરેક વોર્ડમાં રોડ રીસરફેસિંગ, નવા વિસ્તારોમાં CC રોડ, ડામર રોડ અને ડ્રેનેજ નેટવર્ક વિકસાવવાનો વાયદો કરવામાં આવ્યો છે. ટ્રાફિક સમસ્યા હલ કરવા નવા બાયપાસ, મચ્છુ નદી પર બ્રિજ, ફ્લાયઓવર અને કલાત્મક સર્કલનું નિર્માણ કરવાની યોજના છે.
મચ્છુ નદી પર રિવરફ્રન્ટ, બોટિંગ અને શુદ્ધિકરણ સાથે હેરીટેજ વોક-વેનું પણ આયોજન કરવામાં આવ્યું છે.
સુનિયોજિત શહેર વિકાસ
નવી TP (ટાઉન પ્લાનિંગ) સ્કીમ દ્વારા ગેરકાયદેસર બાંધકામો અટકાવી પહોળા રસ્તાઓ, ગ્રીન બેલ્ટ, બગીચા, શાળા અને દવાખાના માટે પ્લોટ અનામત રાખવાની યોજના રજૂ થઈ છે.
પાણી અને ગટર વ્યવસ્થા
દરેક ઘર સુધી શુદ્ધ પાણી પહોંચે તે માટે આધુનિક SCADA સિસ્ટમ અને અપગ્રેડેડ વોટર નેટવર્ક લાગુ કરવાની વાત કરવામાં આવી છે. સાથે જ અન્ડરગ્રાઉન્ડ ગટર લાઇનનું વિસ્તરણ પણ કરવામાં આવશે.
સ્વચ્છતા અને પર્યાવરણ
“ડોર ટુ ડોર” કચરા સંકલન વધુ અસરકારક બનાવવાની સાથે “વેસ્ટ ટુ એનર્જી” અને કોમ્પોસ્ટ પ્લાન્ટ સ્થાપવાના આયોજન છે. સિંગલ યુઝ પ્લાસ્ટિક પર નિયંત્રણ અને રિસાયક્લિંગ પ્લાન્ટ પણ ઉભા કરાશે.
ગ્રીન અને હેલ્ધી મોરબી
દરેક વોર્ડમાં આધુનિક બગીચા, સિનિયર સિટીઝન પાર્ક અને બાળકો માટે પ્લે એરિયા બનાવાશે. શહેરના તળાવોનું બ્યુટીફિકેશન અને વોકિંગ ટ્રેક સાથે વિકાસ થશે.
‘મિયાવાકી’ પદ્ધતિથી અર્બન ફોરેસ્ટ ઉભા કરી શહેરમાં હરિયાળી વધારવાનો પણ પ્લાન છે.
શહેરી પરિવહન સુધારણા
ઈલેક્ટ્રિક અને CNG સિટી બસ સેવા વિસ્તરણ, સ્માર્ટ બસ સ્ટોપ અને રિયલ ટાઈમ ટ્રેકિંગ સિસ્ટમ સાથે “લાસ્ટ માઈલ કનેક્ટિવિટી” પર ભાર મૂકાયો છે.
સુરક્ષા અને ડિઝાસ્ટર મેનેજમેન્ટ
હાઈરાઈઝ બિલ્ડિંગ માટે આધુનિક ફાયર સ્નોર્કલ, ફાયર પોસ્ટ અને 112 સાથે કનેક્ટેડ વાયરલેસ સિસ્ટમની વ્યવસ્થા કરવામાં આવશે.
પશુ નિયંત્રણ અને સેવા
રખડતા શ્વાનો માટે ડોગ શેલ્ટર, ABC ખસીકરણ અભિયાન અને ઢોર માટે મોડર્ન કેટલ હોસ્ટેલનું નિર્માણ કરાશે.
વોટર હાર્વેસ્ટિંગ ફરજિયાત
નવી સોસાયટીઓમાં રેઈન વોટર હાર્વેસ્ટિંગ ફરજિયાત બનાવી ભૂગર્ભ જળ સ્તર સુધારવાનો પ્રયત્ન કરવામાં આવશે.
રોજગાર અને બજાર વ્યવસ્થા
હોકર્સ ઝોન, સ્માર્ટ ફૂડ ઝોન અને આધુનિક વેજીટેબલ માર્કેટ બનાવી નાના વેપારીઓને પ્રોત્સાહન આપવામાં આવશે.
શિક્ષણ અને કૌશલ્ય વિકાસ
ડિજિટલ લાઈબ્રેરી, ફ્રી Wi-Fi, આઈટી અને હસ્તકલા તાલીમ કેન્દ્રો દ્વારા યુવાનોને રોજગારી માટે તૈયાર કરવામાં આવશે.
મહિલા સુરક્ષા અને સશક્તિકરણ
“પિંક ટોયલેટ”, CCTV આધારિત “સેફ સિટી પ્રોજેક્ટ” અને “મહિલા હાટ” જેવી યોજનાઓ દ્વારા મહિલાઓને સુરક્ષા અને રોજગાર મળશે.
સાંસ્કૃતિક અને ટુરીઝમ વિકાસ
ટાઉન હોલનું આધુનિકરણ, નવા કન્વેન્શન સેન્ટર, નાઈટ માર્કેટ અને રિવરફ્રન્ટ ડેવલોપમેન્ટથી મોરબીના ટુરીઝમને વેગ મળશે.
શહેરની ઐતિહાસિક ઓળખ જાળવવા Mani Mandir અને L.E. College જેવી વિરાસતોનું સંરક્ષણ પણ કરવામાં આવશે.
જનભાગીદારી અને પારદર્શિતા
દર મહિને “લોક દરબાર” યોજી મેયર અને કમિશનર સીધો લોકો સાથે સંવાદ કરશે. સિનિયર સિટીઝન કાઉન્સિલ દ્વારા વડીલોનો અનુભવ પણ શહેર વિકાસમાં ઉપયોગમાં લેવાશે.
કુલ મળીને ભાજપનું આ સંકલ્પ પત્ર મોરબીને “સ્માર્ટ, ગ્રીન અને ગ્લોબલ સિટી” બનાવવાના વિઝન સાથે અનેક વ્યાપક અને લાંબા ગાળાના વિકાસના વાયદાઓ લઈને આવ્યું છે. હવે આ વાયદાઓને જનતા કેટલો સમર્થન આપે છે તે આવનારી ચૂંટણીમાં સ્પષ્ટ થશે.
Advertisement
Advertisement