Friday, April 24, 2026
HomeMorbiમોરબીમાં લોકશાહીના મહાપર્વની તૈયારીઓ પૂર્ણ: 26 એપ્રિલે મતદાન, કડક સુરક્ષા સાથે તંત્ર...

મોરબીમાં લોકશાહીના મહાપર્વની તૈયારીઓ પૂર્ણ: 26 એપ્રિલે મતદાન, કડક સુરક્ષા સાથે તંત્ર સજ્જ

Advertisement
Advertisement

મોરબી જિલ્લામાં આગામી 26/04/2026 રવિવારે યોજાનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને લઈને જિલ્લા વહીવટી તંત્ર અને પોલીસ તંત્ર સંપૂર્ણ તૈયારી સાથે મેદાનમાં ઉતરી ગયું છે. જિલ્લા કલેક્ટર કે.બી. ઝવેરી અને જિલ્લા પોલીસ વડા મુકેશકુમાર પટેલ દ્વારા યોજાયેલી પત્રકાર પરિષદમાં ચૂંટણીલક્ષી આયોજન અને સુરક્ષા વ્યવસ્થાની વિગતવાર માહિતી આપવામાં આવી હતી.

જિલ્લા કલેક્ટર કે.બી. ઝવેરીએ જણાવ્યું હતું કે આ ચૂંટણીમાં આશરે 7,39,503 મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે. સમગ્ર જિલ્લામાં 544 મતદાન સ્થળોએ 857 બૂથ ઉભા કરવામાં આવ્યા છે, જેમાં 4285 અધિકારીઓ અને કર્મચારીઓ ફરજ બજાવશે. ઉપરાંત, પ્રક્રિયા નિષ્પક્ષ રીતે પૂર્ણ થાય તે માટે 102 ઝોનલ ઓફિસરો પણ તૈનાત કરવામાં આવ્યા છે. આ ચૂંટણીમાં કુલ 246 ઉમેદવારો મેદાનમાં છે.

મતદારોને સરળતા રહે તે માટે દરેક મતદાન મથકે દિવ્યાંગો માટે વ્હીલચેર, પીવાનું પાણી અને છાંયડા જેવી સુવિધાઓ ઉપલબ્ધ રહેશે. રિસીવિંગ, ડિસ્પેચિંગ, કાઉન્ટિંગ સેન્ટર અને સ્ટ્રોંગ રૂમ માટેની તમામ તૈયારીઓ ચૂંટણી પંચના માર્ગદર્શન હેઠળ પૂર્ણ થઈ ગઈ છે.

જિલ્લાના કુલ 857 બૂથમાંથી 225 બૂથ સંવેદનશીલ જાહેર કરાયા છે, જોકે એક પણ અતિ સંવેદનશીલ બૂથ નોંધાયો નથી. આચારસંહિતા ભંગ અંગે મોટી ફરિયાદો સામે આવી નથી, જ્યારે નાની ફરિયાદોના ઝડપી નિકાલ માટે નોડલ ઓફિસર નીમવામાં આવ્યા છે.

કલેક્ટરે મોરબીના મતદારોને અપીલ કરતાં જણાવ્યું હતું કે, જેમ 2024ની લોકસભા ચૂંટણીમાં મોરબીએ સૌરાષ્ટ્રમાં પ્રથમ સ્થાન મેળવ્યું હતું, તેમ આ વખતે પણ વધુમાં વધુ મતદાન કરી લોકશાહી મજબૂત બનાવવી.

જિલ્લા પોલીસ વડા મુકેશકુમાર પટેલે જણાવ્યું હતું કે મતદાન 26 એપ્રિલે અને મતગણતરી 28 એપ્રિલે યોજાશે. મતગણતરી કેન્દ્ર પર થ્રી-લેયર સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવશે.

ચૂંટણી દરમિયાન 2000 જેટલા પોલીસ જવાનો, જેમાં એસપી, ડીવાયએસપી, પીઆઈ, પીએસઆઈ, હોમગાર્ડ અને એસઆરપીનો સમાવેશ થાય છે, તૈનાત રહેશે. ઉપરાંત 5 QRT ટીમો અને 52 સેક્ટર મોબાઈલ વાહનો દ્વારા સતત પેટ્રોલિંગ કરવામાં આવશે.

ચૂંટણી પૂર્વે પોલીસ દ્વારા કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે, જેમાં: 1100 હથિયારો જમા કરાવાયા 1.5 કરોડનો વિદેશી દારૂ ઝડપાયો 30 તડીપાર અને 10 પાસાની દરખાસ્ત, જેમાંથી 8 મંજૂર પોલીસ દ્વારા અસામાજિક તત્વો સામે સતત કાર્યવાહી ચાલુ છે અને ચૂંટણી શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થાય તે માટે તંત્ર સંપૂર્ણ રીતે પ્રતિબદ્ધ છે.

આવનારા રવિવારે મતદાનના દિવસે રજા તરીકે નહિ, પરંતુ લોકશાહીના પર્વ તરીકે મનાવી દરેક મતદારે મતદાન કરવું જોઈએ — આ જ તંત્રની અપેક્ષા છે.

Advertisement
Advertisement
RELATED ARTICLES

Most Popular