HomeMorbiમોરબી સિવિલ હોસ્પિટલ ‘રામ ભરોસે’: સુરક્ષાના નામે મીંડું, સામાજિક કાર્યકરોએ ઉચ્ચ સ્તરે...
મોરબી સિવિલ હોસ્પિટલ ‘રામ ભરોસે’: સુરક્ષાના નામે મીંડું, સામાજિક કાર્યકરોએ ઉચ્ચ સ્તરે કરી રજુઆત
Advertisement
Advertisement
મોરબી: મોરબીની સિવિલ હોસ્પિટલમાં સુરક્ષા વ્યવસ્થા લથડતા અને સિક્યુરિટી એજન્સીની ઘોર બેદરકારી સામે આવતા સ્થાનિક સામાજિક કાર્યકરોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. રાજુભાઈ દવે, જગદીશભાઈ બાંભણીયા અને અન્ય અગ્રણીઓએ આ મામલે મેડિકલ સુપરિન્ટેન્ડન્ટથી લઈને કલેક્ટર અને મંત્રી કાંતિભાઈ અમૃતિયા સુધી લેખિત રજૂઆત કરી તંત્રને જગાડવાનો પ્રયાસ કર્યો છે.
સામાજિક કાર્યકરોનો આક્ષેપ છે કે હોસ્પિટલમાં નવી સિક્યુરિટી એજન્સીને કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હોવા છતાં સુરક્ષા વ્યવસ્થા અત્યંત નબળી અને જોખમકારક છે. છેલ્લા બે મહિનાથી વારંવાર રજૂઆતો કરવા છતાં કોઈ નક્કર પગલાં લેવામાં આવ્યા નથી.
હોસ્પિટલમાં જોવા મળતી ગંભીર ખામીઓ:
ઇમરજન્સીમાં ભીડ: ઇમરજન્સી વોર્ડમાં એક દર્દી સાથે ૧૦ થી ૧૫ જેટલા લોકો એકઠા થાય છે, છતાં સિક્યુરિટી કોઈ રોકટોક કરતી નથી.
પાર્કિંગનો આતંક: ઇમરજન્સી ગેટ પાસે આડેધડ વાહનો પાર્ક કરવામાં આવે છે, જેના કારણે ૧૦૮ એમ્બ્યુલન્સને રસ્તો મળતો નથી અને દર્દીઓનો જીવ જોખમમાં મુકાય છે.
નશાખોરોનો ત્રાસ: આઈ.સી.યુ. અને લેબોરેટરી જેવા સંવેદનશીલ વિસ્તારોમાં ઘણીવાર દર્દીઓના સગા દારૂના નશામાં આવી ગેરવર્તણૂક કરે છે.
મહિલા સ્ટાફની સુરક્ષા: ખાસ કરીને જ્યાં મહિલા નર્સિંગ સ્ટાફ એકલો હોય છે, ત્યાં સુરક્ષાના અભાવે તેઓ પોતાને અસુરક્ષિત અનુભવે છે.
પત્રમાં સ્પષ્ટપણે જણાવવામાં આવ્યું છે કે જો હોસ્પિટલમાં કોઈ દુર્ઘટના ઘટશે તો તેની સંપૂર્ણ જવાબદારી સિવિલ સુપ્રિન્ટેન્ડન્ટ અને ડીનની રહેશે. સામાજિક કાર્યકરોએ માંગ કરી છે કે તાત્કાલિક ધોરણે સક્ષમ અને તાલીમબદ્ધ સિક્યુરિટી સ્ટાફ તૈનાત કરવામાં આવે અને ઇમરજન્સી સેવાઓ માટેના માર્ગો ખુલ્લા રાખવામાં આવે.
હવે જોવાનું એ રહે છે કે આ ગંભીર રજૂઆત બાદ તંત્ર દ્વારા સુરક્ષા એજન્સી સામે કોઈ કડક કાર્યવાહી કરવામાં આવે છે કે પછી સિવિલ હોસ્પિટલની સ્થિતિ આવી જ જર્જરિત રહેશે.
Advertisement
Advertisement