HomeMorbiમોરબીમાં પત્તાની રમત બની લોહિયાળ; ધારીયાના ઘા ઝીંકતા યુવક ગંભીર ઈજાગ્રસ્ત

મોરબીમાં પત્તાની રમત બની લોહિયાળ; ધારીયાના ઘા ઝીંકતા યુવક ગંભીર ઈજાગ્રસ્ત

મોરબીના દલવાડી સર્કલ નજીક પ્રધાનમંત્રી આવાસમાં પત્તા રમતી વખતે થયેલી સામાન્ય બોલાચાલી અચાનક હિંસક બની ગઈ હતી. ઝઘડો ઉગ્ર બનતા યુવક પર ધારીયાથી હુમલો કરવામાં આવ્યો હતો, જેમાં માથામાં ગંભીર ઈજા પહોંચતાં તેને રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. બનાવ બાદ આરોપીઓએ છરી બતાવી જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ પણ નોંધાઈ છે.

આ અંગે મળતી માહિતી મુજબ મોરબીના પ્રધાનમંત્રી આવાસ યોજના બી-૧૬ મકાન નં.૨૦૫ માં રહેતા અભરામભાઈ સલીમભાઈ માણેક ઉવ.૩૨એ તેમના ફુવા આરોપી જાકીરભાઈ ઉર્ફે જાકમભાઈ ભટ્ટી અને તેમના દીકરા હબીબ ભટ્ટી વિરુદ્ધ સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી કે, ગત તા.૨૧ મેની મોડી રાત્રે ફરિયાદી અને તેમનો ભાઈ ગનીભાઈ માણેક તેમજ આરોપી પિતા-પુત્ર એમ બધા મળીને પ્રધાનમંત્રી આવાસમાં પત્તા રમી રહ્યા હતા ત્યારે ફરિયાદી અભરામભાઈના ભાઈ ગની અને હબીબ વચ્ચે બોલાચાલી થઈ હતી.

બોલાચાલી બાદ ઝઘડો વધતા હબીબે ગનીના માથામાં ધારીયાથી હુમલો કર્યો હતો, જેના કારણે તેને માથામાં ગંભીર ઈજા પહોંચી હતી. ત્યારબાદ ફુવા જાકીરભાઈ છરી લઈને આવ્યા હતા અને ફરિયાદી અને તેના ભાઈને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. જે બાદ ઈજાગ્રસ્ત ગનીને પ્રથમ મોરબી સરકારી હોસ્પિટલ અને બાદમાં રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. જ્યાં ડોક્ટરોએ માથામાં ગંભીર ઈજા અને ફ્રેક્ચર હોવાનું જણાવી સર્જરી કરી હતી. હાલ ઇજાગ્રસ્ત ગનીભાઈ રાજકોટ સિવિલ હોસ્પિટલના સર્જરી વોર્ડમાં સારવાર હેઠળ છે. ત્યારે સમગ્ર બનાવની ફરિયાદને આધારે પોલીસે બન્ને આરોપીઓ વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતાની વિવિધ કલમો તેમજ જી.પી. એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

RELATED ARTICLES

Most Popular