HomeMorbiમોરબીના ઉદ્યોગોની મુલાકાતે નવનિયુક્ત કલેક્ટર સ્વપ્નિલ ખરે: પેપર મિલ એસોસિએશને વીજ ટ્રીપિંગ...
મોરબીના ઉદ્યોગોની મુલાકાતે નવનિયુક્ત કલેક્ટર સ્વપ્નિલ ખરે: પેપર મિલ એસોસિએશને વીજ ટ્રીપિંગ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર મુદ્દે કરી રજૂઆત
મોરબી જિલ્લાના નવનિયુક્ત જિલ્લા કલેક્ટર સ્વપ્નિલ ખરે સાહેબ તથા તેમની ટીમ દ્વારા મોરબીના ઔદ્યોગિક વિસ્તારોની મુલાકાત લેવામાં આવી હતી. આ મુલાકાત અંતર્ગત આજે તેમણે એપોલો પેપર્સ LLPની સૌજન્ય મુલાકાત લીધી હતી.
આ પ્રસંગે જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર ના જિલ્લા ઉદ્યોગ અધિકારી સતીશભાઈ બી પારેજીયા, ડેપ્યુટી DISH અધિકારી જે. એસ. આદેશરા તથા GPDB મોરબીના રિજનલ ઓફિસર સંજય માલસતર પણ ઉપસ્થિત રહ્યા હતા.
એપોલો પેપર્સ LLP ના મેનેજીંગ ડિરેક્ટર તેમજ મોરબી પેપર મિલ્સ એસોસિએશનના વાઇસ પ્રેસિડેન્ટ અને મોરબી જિલ્લા લઘુ ઉદ્યોગ ભારતીના પ્રેસિડેન્ટ દિનેશ હરિપરા, સાથે મોરબી પેપર મિલ્સ એસોસિએશનના મંત્રી જયેશભાઈ પટેલ, કોર કમિટી મેમ્બર નરેન્દ્રભાઈ દ્વારા મહાનુભાવ ને ઉદ્યોગની કામગીરી, ઉત્પાદન પ્રક્રિયા તથા પેપર ઉદ્યોગની હાલની પરિસ્થિતિ અંગે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી.
મુલાકાત દરમિયાન મોરબી પેપર ઉદ્યોગને અસર કરતા વિવિધ મહત્વપૂર્ણ પ્રશ્નો અંગે પણ રજૂઆત કરવામાં આવી હતી. જેમાં ખાસ કરીને PGVCL ના વારંવાર થતા વીજ ટ્રિપિંગના પ્રશ્નને કારણે પેપર મિલોને થતા ભારે આર્થિક નુકસાન અંગે ધ્યાન દોરવામાં આવ્યું હતું. એક વખતના ટ્રિપિંગથી અંદાજે રૂ. 35,000 થી 40,000 જેટલું નુકસાન થતું હોવાનું રજૂ કરવામાં આવ્યું હતું.
તદુપરાંત કોલસા ના સતત વધતાં ભાવ, ભારતીય કોલસા ની નીચી ગુણવત્તા, આયાતી કોલસા ની મજબૂરી, રૂપિયા અવમૂલ્યન ના કારણે વધતો ઉત્પાદન ખર્ચ તથા GMDC દ્વારા સંભવિત ભાવ ધારાને લઈને પણ ચિંતા વ્યક્ત કરવામાં આવી હતી.
ઉદ્યોગ વિસ્તાર માટે સારા રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચરની જરૂરિયાત અંગે પણ રજૂઆત કરવામાં આવી હતી. હાલ આ વિસ્તારમાં 7 પેપર મિલ સહિત આશરે 20 જેટલા ઉદ્યોગો કાર્યરત હોવાનું જણાવ્યું હતું. ઉપરાંત ભવિષ્યમાં નવી GIDC અને નવકાર ICD માટે આ રોડ ખૂબ જ ઉપયોગી સાબિત થશે, જેનાથી નિકાસ-આયાત પ્રવૃત્તિઓ ને પણ પ્રોત્સાહન મળશે.
તદુપરાંત આ વિસ્તારમાં અનેક પેપર મિલો તથા અન્ય ઉદ્યોગો કાર્યરત હોવાથી ઔદ્યોગિક સુરક્ષાને ધ્યાનમાં રાખીને ઘૂંટુ વિસ્તાર ખાતે ફાયર સ્ટેશન ની સુવિધા ઉપલબ્ધ કરાવવા પણ માંગ કરવામાં આવી હતી. ઉદ્યોગમાં આગ જેવી આકસ્મિક પરિસ્થિતિ સમયે તાત્કાલિક મદદ મળી રહે તે માટે આ સુવિધા અત્યંત જરૂરી હોવાનું રજૂ કરવામાં આવ્યું હતું.
સાથે સાથે ઉદ્યોગને કેનાલ મારફતે નિયમિત પાણી પુરવઠો ઉપલબ્ધ કરાવવા પણ માંગ કરવામાં આવી હતી.
જિલ્લા કલેક્ટરઓએ ઉદ્યોગની રજૂઆત ધ્યાનપૂર્વક સાંભળી યોગ્ય સ્તરે જરૂરી કાર્યવાહી અને સહકાર આપવાની હકારાત્મક ખાતરી આપી હતી.
આ મુલાકાત દરમિયાન ઉદ્યોગ જગતમાં હકારાત્મક વાતાવરણ સર્જાયું હતું અને ઉદ્યોગ ના વિકાસ માટે જિલ્લા વહીવટતંત્ર સાથે સુમેળ ભર્યો સંવાદ સ્થાપિત થયો હતો.