HomeMorbiમોરબીમાં બોગસ પત્રકારોનો રાફડો: વાહનો પર 'PRESS' લખાવી તોડબાજી કરતા તત્વો સામે...

મોરબીમાં બોગસ પત્રકારોનો રાફડો: વાહનો પર ‘PRESS’ લખાવી તોડબાજી કરતા તત્વો સામે લાલઆંખ, કલેક્ટર-SPને રજૂઆત

મોરબી શહેર અને સમગ્ર જિલ્લામાં છેલ્લા કેટલાક સમયથી પત્રકારત્વના પવિત્ર વ્યવસાયને કલંકિત કરતા બોગસ પત્રકારો અને નકલી પ્રેસકાર્ડ ધારકોનો રાફડો ફાટ્યો છે. કોઈપણ પ્રકારની શૈક્ષણિક લાયકાત, અભ્યાસ કે અનુભવ વગર માત્ર પૈસાના જોરે નકલી પ્રેસકાર્ડ મેળવીને બ્લેકમેલિંગ અને તોડપાણી કરતા તત્વો સામે મોરબી જિલ્લાના તમામ માન્ય અને સાચા પત્રકારો દ્વારા મોરબી જિલ્લા કલેક્ટર અને જિલ્લા પોલીસ વડા (SP) ને એક વ્યાપક લેખિત રજૂઆત કરવામાં આવી છે. જેમાં આવા બોગસ તત્વો સામે કડક કલમો હેઠળ ગુનો નોંધી, ખાસ ચેકિંગ ઝુંબેશ શરૂ કરવા ઉગ્ર માંગ કરાઈ છે.

મોરબી શહેર અને જિલ્લામાં છેલ્લા ઘણા સમયથી પત્રકારત્વના કોઇ પણ પ્રકારના અભ્યાસ કે અનુભવ વગરના તત્વો દ્વારા પૈસા આપીને ખોટા પ્રેસકાર્ડ ખરીદવાનું અને કોઈ પણ મંજૂરી વગર યુટ્યુબ, ફેસબુક અને ઈન્સ્ટાગ્રામ ઉપર ન્યૂઝના નામે ચેનલો શરૂ કરી લોકોને બ્લેકમેલ કરવાનું મોટું દૂષણ ફેલાયું છે. ગઈકાલે પોલીસ દ્વારા વાહન ચેકિંગ દરમિયાન 10 હજાર રૂપિયામાં પ્રેસકાર્ડ ખરીદીને પોલીસ પર રોફ જમાવતા 9 ધોરણ પાસ બોગસ પત્રકાર અને તેને કાર્ડ વેચનાર શખ્સ સામે કડક કલમો હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે, જે આ દૂષણની સાબિતી આપે છે.

આવા અસામાજિક તત્વો પોતાના વાહનો પર મોટા અક્ષરે ‘PRESS’ ના બોર્ડ લગાવીને સીન સપાટા નાખે છે અને નિર્દોષ લોકોને ડરાવી ધમકાવીને તોડપાણી કરે છે. આનાથી સમાજમાં માન્ય અને સાચા પત્રકારોની છબી ખરડાય છે અને લોકશાહીના ચોથા સ્તંભ સમાન પત્રકારત્વનું નામ બદનામ થાય છે.

આથી, મોરબીના તમામ માન્ય પત્રકારોની માંગણી છે કેઃ

મોરબી જિલ્લામાં જે પણ ફોર વ્હીલર કે ટુ વ્હીલર વાહનો પર ‘PRESS’ લખેલું હોય તેનું સઘન ચેકિંગ કરવા માટે ખાસ ઝુંબેશ શરૂ કરવામાં આવે.

પ્રેસકાર્ડ લઈને ફરતા લોકોની શૈક્ષણિક લાયકાત અને તેમના કાર્ડની ખરાઈ કરવામાં આવે.

 10 હજાર કે અન્ય રકમો લઈને ગેરકાયદેસર રીતે બોગસ પ્રેસકાર્ડ ઇશ્યૂ કરતી એજન્સીઓ કે વ્યક્તિઓના નેટવર્કને શોધી કાઢી ઉંડાણપૂર્વક તપાસ કરી કડક કાર્યવાહી કરવામાં આવે.

તોડપાણી કે બ્લેકમેલિંગ કરતા બોગસ પત્રકારો સામે બીએનએસ કાયદાની આકરી કલમો હેઠળ ગુનો નોંધી સખત પગલાં લેવામાં આવે.

આ મામલે સત્વરે યોગ્ય કાર્યવાહી અને ચેકિંગ ઝુંબેશ શરૂ કરવામાં આવે તેવી માંગ ઉઠી છે.

RELATED ARTICLES

Most Popular