HomeMorbiIPL મેચ પર સટ્ટાબાજીનો ખેલ પર્દાફાશ: મોરબીમાં ફોન પર હાર-જીતના સોદા કરતો...
IPL મેચ પર સટ્ટાબાજીનો ખેલ પર્દાફાશ: મોરબીમાં ફોન પર હાર-જીતના સોદા કરતો શખ્સ ઝડપાયો
મોરબી શહેરમાં IPL ક્રિકેટ મેચના નામે ચાલી રહેલી સટ્ટાબાજી સામે સિટી એ-ડિવિઝન પોલીસે કાર્યવાહી કરી છે. નવા ડેલા રોડ વિસ્તારમાં ફોન મારફતે રન-ફેર અને ટીમોની હાર-જીતના સોદા કરી જુગાર રમતા એક શખ્સને રોકડ રકમ સાથે ઝડપી પાડવામાં આવ્યો છે, જ્યારે લાઈન આપનાર અન્ય આરોપીને ઝડપી લેવા પોલીસ દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે.
આ અંગે મળતી માહિતી મુજબ મોરબી સિટી એ ડિવિઝન પોલીસ ટીમ પેટ્રોલીંગમાં હોય તે દરમિયાન ટીમને ખાનગી રાહે બાતમી મળી હતી કે, મોરબીના જુના બસ સ્ટેન્ડ પાસે થઈને નવા ડેલા રોડ ઉપર અશોક પાનની બાજુમાં એક ઈસમ ઉભો છે, જે ફોન પર વાતચીત કરી ચાલુ આઈ.પી.એલ. ક્રિકેટ મેચ પર જુગાર રમી રહ્યો છે. બાતમીના આધારે પોલીસે તુરંત પોલીસે રેઇડ કરી ગુજરાત અને રાજસ્થાન વચ્ચે રમાઈ રહેલી આઈ.પી.એલ. મેચ પર સટ્ટો રમતા હિતેશ ઉર્ફે મોઢીયો ચંદ્રકાંતભાઈ ધોળકિયા રહે. મોરબીવાળાને રોકડ રૂપિયા ૬૦૦ ના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યો હતો. જ્યારે લાઈન આપનાર સહ-આરોપી ઈસ્માઈલ કુરેશીને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે. તેમજ બંને આરોપીઓ વિરુદ્ધ જુગારધારા કલમ હેઠળ ગુન્હો રજીસ્ટર કરવામાં આવેલ છે.