HomeMorbiદારૂના ધંધાની બાતમી આપ્યાની શંકાએ કાકાએ જ ભત્રીજાનો લીધો જીવ! મોરબીમાં યુવકની...

દારૂના ધંધાની બાતમી આપ્યાની શંકાએ કાકાએ જ ભત્રીજાનો લીધો જીવ! મોરબીમાં યુવકની હત્યા કેસમાં પિતા-પુત્ર સહિત 4 સામે ગુનો નોંધાયો

મોરબીના શોભેશ્વર રોડ પર આવેલા મફતિયાપરા વિસ્તારમાં યુવાનની ક્રૂર હત્યાના બનાવે ચકચાર મચાવી છે. બી ડિવિઝન પોલીસે આ કેસમાં મૃતકના કાકા અને પિતરાઈ ભાઈ સહિત ચાર શખ્સો સામે હત્યાનો ગુનો નોંધી આરોપીઓની શોધખોળ શરૂ કરી છે.

પ્રાથમિક તપાસમાં દારૂના ગેરકાયદેસર ધંધાની પોલીસને બાતમી આપ્યાની શંકા હત્યાનું કારણ હોવાનું સામે આવ્યું છે. મૂળ સુરેન્દ્રનગર જિલ્લાના રહેવાસી અને હાલ થાનગઢ ખાતે વેપાર કરતા 22 વર્ષીય ઈરફાનભાઈ ગફુરભાઈ ભટ્ટીએ નોંધાવેલી ફરિયાદ મુજબ તેમના મોટા ભાઈ હનીફભાઈ ભટ્ટી મોરબીના શોભેશ્વર રોડ પર આવેલા મફતિયાપરા વિસ્તારમાં ભાડાની ઓરડીમાં રહેતા હતા. આજે વહેલી સવારે તેમને ફોન દ્વારા જાણ થઈ હતી કે હનીફભાઈની હત્યા કરવામાં આવી છે.

ફરિયાદ અનુસાર, મૃતકના કાકા ફારૂકભાઈ અલારખાભાઈ ભટ્ટી ઈંગ્લિશ દારૂના ગેરકાયદેસર ધંધા સાથે સંકળાયેલા હોવાનું જણાવાયું છે. તેમના વિરુદ્ધ જ્યારે પણ પોલીસ કાર્યવાહી થતી ત્યારે તેઓ હનીફભાઈ પોલીસને બાતમી આપતા હોવાની શંકા રાખતા હતા. આ બાબતે પરિવાર વચ્ચે અગાઉ પણ અનેક વખત તકરાર અને મનદુઃખ થયાનું ફરિયાદમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

આ જ અદાવતનો ખાર રાખી ફારૂકભાઈ ભટ્ટી, તેમનો પુત્ર રિયાઝ ભટ્ટી તેમજ તેમના સાથીદાર સમીર સૈયદ અને નાઝીમ દિવાન થાનગઢથી મોરબી આવ્યા હતા. ચારેય શખ્સોએ મળીને હનીફભાઈ પર તીક્ષ્ણ હથિયારો વડે હુમલો કર્યો હતો તેમજ બંદૂકના ભડાકા કરીને તેમને મોતને ઘાટ ઉતાર્યા હોવાનો આક્ષેપ ફરિયાદમાં કરવામાં આવ્યો છે.

બનાવની જાણ થતાં પરિવારજનો મોરબી પહોંચ્યા હતા. જ્યાં હનીફભાઈની લોહીલુહાણ હાલતમાં લાશ મળી આવી હતી. તેમના ચહેરા તેમજ શરીરના અન્ય ભાગોમાં ગંભીર ઇજાના નિશાન જોવા મળ્યા હતા. ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં ભારે અરેરાટી વ્યાપી ગઈ હતી.

બી ડિવિઝન પોલીસે ફરિયાદના આધારે ફારૂકભાઈ અલારખાભાઈ ભટ્ટી, રિયાઝ ભટ્ટી, સમીર સૈયદ અને નાઝીમ દિવાન સામે હત્યા સહિતના ગંભીર ગુનાઓ હેઠળ કેસ નોંધી વધુ તપાસ હાથ ધરી છે. હાલ ચારેય આરોપીઓ ફરાર હોવાનું જાણવા મળ્યું છે અને પોલીસે તેમની શોધખોળ તેજ કરી છે.

RELATED ARTICLES

Most Popular