મોરબીમાં ગત નવેમ્બર 2024માં રાજકોટ-મોરબી હાઇવે પર આવેલ હોટેલ કમ્ફર્ટમાં હાઈપ્રોફાઈલ જુગાર ક્લબ પર દરોડો પાડી ટંકારાના તત્કાલીન પીઆઈ ગોહીલ અને હેડ કોન્સ્ટેબલ લાખો રૂપિયાનો તોડ કરવા પ્રકરણમાં એસએમસીની તપાસ બાદ બન્નેને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. આ ચકચારી પ્રકરણમાં લાંચ મામલે ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ હેઠળ અલગથી ગુન્હો દાખલ થયો હોય અને સમગ્ર મામલે સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડીના ડીવાયએસપી તપાસ કરી રહ્યા છે ત્યારે પીઆઈ અને હેડ કોન્સ્ટેબલ હાજર ન થતા બન્નેને ફરાર જાહે૨ ક૨વા જાહેરનામું પ્રસિદ્ધ કરાયું છે.
આરોપી પોલીસ ઇન્સ્પેક્ટર યુવરાજસિંહ કિશોરસિંહ ગોહિલ તથા પોલીસ હેડ કોન્સ્ટેબલ મહિપતસિંહ હરિસિંહ સોલંકીની ધરપકડ કરવાની હોવાથી અને તપાસ દરમિયાન તેમના રહેણાંક મકાનો તથા ફરજના સ્થળો, સગા-સંબંધીના ઘરે તપાસ કરતા મળી આવેલા નથી. જેથી બન્ને આરોપીઓની વિસ્તૃત તપાસ કરવા તેઓ વિરુદ્ધ સ્પેશ્યલ અને સેશન્સ કોર્ટ મોરબી દ્વારા ગુનાના કામે BNSS-કલમ-૭ર મુજબના અલગ-અલગ વોરંટો મેળવી બંને આરોપીઓની તપાસ કરતા, કરાવતા મળી આવેલા નથી અને ગુનો કરી નાસતા ફરતા હોવાથી બંને આરોપીઓની ધરપકડ કરવાની બાકી છે. જેથી બન્ને આરોપીઓ વિરુદ્ધ સ્પેશ્યલ અને સેશન્સ કોર્ટ મોરબી દ્વારા BNSS-કલમ-૮૪ મુજબનું ફરારી જાહેરનામું પ્રસિદ્ધ ક૨વામાં આવ્યું છે. જેથી જાહેરનામું પ્રસિદ્ધ થયાના 30 દિવસમાં તપાસ કરનાર અધિકારી નાયબ પોલીસ અધિક્ષક, લીંબડી ડિવિઝન, લીંબડી સમક્ષ આરોપીઓને હાજર થવા હુકમ કરવામાં આવ્યો છે.




