ગુજરાતના ડી.જી.પી. દ્વારા પેરોલ ફર્લો, વચગાળાના જામીન, પોલીસ જાપ્તામાંથી તેમજ જેલ ફરારી આરોપીઓને પકડવા સ્પે. ડ્રાઇવનું આયોજન કરવામાં આવ્યું હતું જે અનુસંધાને રાજકોટ રેન્જ આઈ.જી. અશોક કુમાર તથા મોરબી જિલ્લા એસ.પી. રાહુલ ત્રિપાઠીની સૂચના મુજબ કામગીરી દરમિયાન મોરબી એલ.સી.બી/પેરોલ ફર્લો સ્કવોડની ટીમ દ્વારા રાજકોટ મધ્યસ્થ જેલમાં દુષ્કર્મ/મર્ડરના ગુનામાં આજીવન સજા ભોગવી રહેલો આરોપી પેરોલ રજા પર છેલ્લા ૨ વર્ષથી ફરાર થતા આ આરોપીને બિહારના નવાદા જિલ્લા ખાતેથી પકડી પાડવામાં આવ્યો છે.
મળતી માહિતી અનુસાર, મોરબી એલ.સી.બી/પેરોલ ફર્લો સ્કવોડની ટીમને ખાનગી રાહે હકિકત જાણવા મળી હતી કે, મોરબી તાલુકા પો.સ્ટે.નો પાકા કામનો આરોપી સુરજકુમાર ગોરેલાલ ચૌહાણ (રહે. પ્લેટીનિયમ બ્યુટી કંપની કવાટર્સ તા.જી.મોરબી મૂળ રહે જોરાવર બિધા તા.નારદીગંજ જી.નવાદા (બિહાર)) રાજકોટ મધ્યસ્થ જેલમાં પાકા કામના કેદી તરીકે હોય જે આરોપી નામદાર ગુજરાત હાઇકોર્ટ અમદાવાદના આદેશાનુસાર તા.૧/૬/૨૦૨૩ થી ૨૧ દિવસની પેરોલ રજા મેળવી જેલ મુકત થયો હતો જે આરોપીને તા.૨૩/૬/૨૦૨૩ ના રોજ રાજકોટ મધ્યસ્થ જેલ ખાતે હાજર થવાનુ હતું પરંતુ આરોપી પેરોલ રજા પરથી પરત હાજર ન થઈ ફરાર થયો હતો. આ કેદીને ખાનગી બાતમીના આધારે તા.૩૦/૪/૨૦૨૫ ના રોજ બિહારના નવાદા જિલ્લાના બાઘી બરડીહા ઠેકાપર ગામેથી પકડી પાડી હસ્તગત કરી રાજકોટ મધ્યસ્થ જેલ હવાલે કરવામાં આવ્યો છે.




