મોરબી મહાનગરપાલિકા દ્વારા ગઈકાલે ગુજરાત સ્થાપના દિવસે યુવાનોમાં ગુજરાતની સંસ્કૃતિ પ્રત્યે રસ અને ગૌરવ જાગૃત કરવાના ઉદેશ્યથી મોરબી મહાનગરપાલિકા દ્વારા એક વિશેષ કાર્યક્રમ ‘મોરબીની અસ્મિતા”નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં રાસ ગરબા, એક પાત્રીય અભિનય, સોલો ડાન્સ, ગાયન તેમજ વાદન જેવી વિવિધ પ્રવૃત્તિઓ કરવામાં આવી હતી. જેમાં કુલ ૬૮ સ્પર્ધકો દ્વારા ભાગ લેવામાં આવ્યો હતો તથા બહોળી સંખ્યામાં નગરજનોની ઉપસ્થિતિએ આ કાર્યક્રમની શોભા અનેકગણી વધારી દીધી હતી.
આ તકે, વિશેષ અતિથિ કલેકટર કિરણ ઝવેરી, કમિશ્નર સ્વપ્નિલ ખરે તથા મુખ્ય અતિથિ ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમના અંતમાં મોરબી મહાનગરપાલિકા દ્વારા દરેક પ્રવૃત્તિમાં પ્રથમ સ્થાન મેળવનાર વિજેતાને રૂ. 2 હજાર, દ્વિતીય સ્થાન મેળવનાર વિજેતાને રૂ. 1 હજાર તેમજ તૃતીય સ્થાન મેળવનાર વિજેતાને રૂ. 500 નું રોકડ ઇનામ આપવામાં આવ્યું હતું. ઉપરાંત દરેક પ્રતિસ્પર્ધીને પ્રમાણપત્ર પણ એનાયત કરવામાં આવ્યું હતું.
મોરબી મહાનગરપાલિકા દ્વારા આવા પ્રજાલક્ષી સાંસ્કૃતિક તેમજ વિવિધ અન્ય કાર્યક્રમોનું વાર્ષિક કેલેન્ડર બનાવવામાં આવ્યું છે. જેથી ભવિષ્યમાં પણ આવા વિવિધ કાર્યક્રમો દ્વારા મોરબી નગરજનોને લાભાન્વિત કરવાનું આયોજન કરવામાં આવ્યું છે. તેથી તમામ નગરજનો મોરબી મહાનગરપાલિકા દ્વારા આયોજીત વિવિધ કાર્યક્રમોમાં બહોળી સંખ્યામાં ભાગ લે તેવું આહ્વાન મોરબી મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવ્યું છે.




