ગઈકાલથી જ રાજ્યના વાતાવરણમાં આવેલા અચાનક બદલાવ બાદ ભરઉનાળે ચોમાસા જેવા માહોલમાં વચ્ચે ગાજવીજ અને તોફાની પવન સાથે સાર્વત્રિક કમોસમી વરસાદ શરૂ થયો છે, એટલું જ નહીં, આગામી તા.11 સુધી વરસાદ ચાલુ રહે તેવી આગાહી હવામાન વિભાગે કરી છે. બીજી તરફ છેલ્લા 24 કલાકમાં મોરબી જિલ્લામાં બે મીમીથી લઈ પોણો ઈંચ સુધી વરસાદ નોંધાયો હતો. જેથી ધરતીપુત્રોની ચિંતામાં પણ વધારો થયો છે. તો રાજ્યના 168 તાલુકામાં પોણા બે ઇંચથી લઈ 1 મીમી વરસાદ વરસી ગયો હતો.
હવામાન વિભાગની આગાહી મુજબ, મોરબી સહિત રાજ્યભરમાં ગાજવીજ અને તેજ પવન સાથે કમોસમી વરસાદની શરૂઆત થઈ હતી જેમાં રાત્રે મોરબી જિલ્લામાં ધોધમાર વરસાદ વરસ્યો હતો.
સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટરના સતાવાર આંકડા મુજબ, છેલ્લા 24 કલાકમાં મોરબી જિલ્લામાં 2 મીમીથી લઈ 17 મીમી વરસાદ નોંધાયો હતો. જેમાં હળવદમા 17 મીમી, મોરબી અને વાંકાનેરમાં 10 મીમી, ટંકારામાં 9 મીમી તેમજ માળીયા મિયાણામાં 2 મીમી વરસાદ નોંધાયો હતો.
છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં સૌથી વધુ ખેડાના કપડવંજમાં 40મીમી વરસાદ નોંધાયો હતો. તો ભારે પવન સાથે વરસાદના કારણે અનેક નુકસાન પણ થયું છે.
આ સાથે જ હવામાન વિભાગે આજે 10 જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે, વરસાદની સાથે રાજ્યમાં ગાજવીજ સાથે કરા પડવાની પણ આગાહી કરવામાં આવી છે, જેમાં કચ્છ બનાસકાંઠામાં અતિભારે અને મોરબી, પાટણ, સુરેન્દ્રનગર, મહેસાણા, સાબરકાંઠા, આણંદ, ભરૂચ, નર્મદા જિલ્લામાં ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.




