HomeGujaratમોરબીથી કુવાડવા જતું કેટરિંગ સ્ટાફનું વાહન પલ્ટી મારી ગયું, ડ્રાઈવરની અણઆવડતના કારણે...

મોરબીથી કુવાડવા જતું કેટરિંગ સ્ટાફનું વાહન પલ્ટી મારી ગયું, ડ્રાઈવરની અણઆવડતના કારણે 15 લોકો ઇજાગ્રસ્ત થયા

મોરબી-રાજકોટ હાઇવે પર સવારે સાતેક વાગ્યાના અરસામાં કેટરિંગના બિઝનેસ સાથે જોડાયેલી મહિલા અને યુવતીઓને મોરબીથી કુવાડવા તરફ જતી છોટા હાથી વાહન વિરપર નજીક અચાનક પલ્ટી મારી જતા અકસ્માત સર્જાયો હતો.

આ બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ, મોરબી-રાજકોટ હાઇવે પર લજાઈ અને વિરપર ગામની વચ્ચે સવારે સાતેક વાગ્યાના અરસામાં એક મેટાડોર પલ્ટી જતા છોટા હાથી વાહનમાં બેઠેલા 15 લોકોને ઇજા પહોંચતા સારવાર માટે 108 મારફતે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. અકસ્માતમાં ભોગ બનનાર કેટરિંગના ધંધાર્થીએ જણાવ્યું હતું કે, રાજકોટના કુવાડવા નજીક ખીજડિયા ગામે ધાર્મિક પ્રસંગમા ભોજન પીરસવા માટે તેઓ યુવતીઓ અને મહિલાઓને લઈ જતા હતા ત્યારે આ અકસ્માત સર્જાયો હતો.

વધુમાં આ યુવાને ઉમેર્યું હતું કે, રોડ એકદમ ખાલી હોવા છતાં છોટા હાથી વાહન ચાલકે નાગણીની જેમ ગાડી ચલાવી કાવું મારતા છોટા હાથી વાહન પલ્ટી મારી ગયું હતું અને વાહનમાં સવાર લોકોએ ચીસો પાડી બ્રેક મારવા કહેવા છતાં ડ્રાઈવર વાહન કાબુ કરી શક્યો ન હોવાથી આ અકસ્માત સર્જાયો હતો. સાથે જ ચાલકને ડ્રાઇવિંગ આવડતું ન હોવાનો પણ આક્ષેપ કર્યો હતો.

આ અકસ્માતમાં એક બે યુવતીઓને ગંભીર ઇજાઓ પહોંચી હોવાનું અને અન્ય લોકોને સામાન્ય ઇજા પહોંચી હોવાનું સામે આવ્યું છે.

RELATED ARTICLES

Most Popular