મોરબીમાં મચ્છુ કાંઠા હાલાર રબારી સમાજના સંગઠન એવા શ્રી વડવાળા યુવા સંગઠન દ્વારા ગઈકાલે રવિવારે લીલાપર-કેનાલ રોડ પર રામકો રેસિડેન્સી પાસે આવેલા ઉમિયા નવરાત્રી ગ્રાઉન્ડમાં ચતુર્થ સમૂહ લગ્નોત્સવનું ભવ્યાતિભવ્ય રીતે આયોજન કરાયું હતું. જેમાં 42 યુગલોએ પ્રભુતામાં પગલાં માંડ્યા હતા. આ સમૂહ લગ્નમાં સાંજે ભવ્ય સામૈયુ નીકળ્યું હતું. સાથે જ સર્કિટ હાઉસથી લઈ બાપા સીતારામ ચોક સુધી મોટી સંખ્યામાં કાર અને બાઇકની રેલી નીકળી હતી. ત્યારબાદ બાપા સીતારામ ચોકથી સામૈયુ શરૂ થયું હતું. જેમાં 30 બગી, 30 ઘોડા, 1 ઊંટ, 2 બળદગાડા અને 5 વિન્ટેજ કાર તેમજ 200 કાર અને 300 બાઇકે લોકોમાં ભારે આકર્ષણ જમાવ્યું હતું. જેને નિહાળવા ખૂબ મોટી સંખ્યામાં રબારી સમાજના લોકો જોડાયા હતા.
આ સામૈયામાં નાસિક ઢોલ અને રાસમંડળીના આયોજન સાથે લાકડી દાવ અને પરંપરાગત રાસની રઝમટ બોલી હતી. સામૈયા દરમિયાન રસ્તામાં પાણી અને શરબત સહિતની વ્યવસ્થા પણ ગોઠવવામાં આવી હતી.
ઉલ્લેખનીય છે કે, આ સમૂહ લગ્નમાં દીકરીઓની ભવ્ય એન્ટ્રીથી લઈ સંગીત કાર્યક્રમ જેવા અનેક આયોજનો કરવામાં આવ્યા હોવાથી દીકરીઓ અને સમગ્ર સમાજ માટે આ અવસર અદ્દભુત બની રહેશે. આ પ્રસંગમાં 2500થી વધુ સ્વયં સેવકોની ફોજ ખડેપગે રહ્યા હતા. સાથે જ વિશાળ પાર્કિંગ વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી. જેમાં 700 જેટલા સ્વયં સેવકો અને સુરક્ષા વ્યવસ્થા માટે 500 જેટલા સિક્યુરિટી ગાર્ડ મદદ માટે તૈનાત રહ્યા હતા.
સમૂહ લગ્નમાં આવનાર દરેક લોકોના આરોગ્યની સંભાળ રાખવા માટે અહીં મેડિકલ કેમ્પનું પણ આયોજન ક૨વામાં આવ્યું હતું. જેમાં નિષ્ણાંત તબીબોની ટીમે સેવા આપી હતી. આ સાથે લગ્ન દરમિયાન વ્યસન મુક્તિ, અંગદાન અને દેહદાન જાગૃતિના કાર્યક્રમો પણ યોજાયા હતા.
એટલું જ નહીં, રાત્રે 10 કલાકે સંગીત કાર્યક્રમ યોજાયો હતો. જેમાં સુપ્રસિદ્ધ લોકગાયિકા રસ્મિતાબેન રબારી, ગાયક દેવપગલી, માલધારી મોરલો અને દાંડિયા કિંગ તરીકે જાણીતા યુનુસભાઈ શેખ, લોકગાયિકા મિતલબેન રબારી, વિશ્વાબેન રબારી અને કુલદીપ રબારીએ તેમના સુર રેલાવ્યા હતા જેને મોટી સંખ્યામાં લોકોએ નિહાળી રાસની રમઝટ બોલાવી હતી.
આ કાર્યકમનું સંચાલન શૈલેષભાઈ રાવલે કર્યું હતું.




