Monday, April 20, 2026
HomeMorbiટંકારામાં જુગાર રેડમાં થયેલા તોડકાંડમાં PI ને જેલ હવાલે કરવાનો કોર્ટનો હુકમ,...

ટંકારામાં જુગાર રેડમાં થયેલા તોડકાંડમાં PI ને જેલ હવાલે કરવાનો કોર્ટનો હુકમ, SMC એ 10 લાખની રિકવરી કરી

Advertisement
Advertisement

ટંકારા તાલુકામાં આવેલા કમ્ફર્ટ હોટલમાં જુગારની રેડ કરી હતી અને ત્યાર બાદ પોલીસ અધિકારી અને હેડ કોન્સટેબલ દ્વારા 51 લાખનો તોડ કર્યો હતો જે ગુનામાં તત્કાલીન પીઆઇની ધરપકડ કરીને રિમાન્ડ પર લેવામાં આવ્યા હતા. હવે રિમાન્ડ પૂરા થતાં આજે આરોપી પીઆઇને મોરબીની કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા અને કોર્ટે આરોપી પીઆઇને જેલ હવાલે કરવાનો હુકમ કર્યો છે.

તો આ તોડકાંડમાં પકડાયેલા પીઆઈ પાસેથી તપાસની અધિકારી દ્વારા રિમાન્ડ દરમિયાન 10 લાખની રિકવરી કરવામાં આવી છે અને હજુ આગળની તપાસ ચાલી રહી છે.

આ બનાવને વિગતે જોઈએ તો, ટંકારા તાલુકાના લજાઈ અને વીરપરની વચ્ચે આવેલી કમ્ફર્ટ હોટલમાં જુગારની રેડ કરવામાં આવી હતી અને સાત શખ્સોને રૂમમાંથી પકડવામાં આવ્યા હતા અને બે ડ્રાઈવર સહિત કુલ નવ આરોપીને પકડી પાડી રોકડ, બે કાર સહિત કુલ મળીને 63.15 લાખનો મુદામાલ કબ્જે કર્યો હતો અને ટંકારા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધ્યો હતો. જો કે, ફરિયાદમાં આરોપીના ખોટા નામ લખવાના, આરોપીઓના નામ અને ફોટો પ્રેસમાં નહીં આપવા સહિતનો તોડ કરવામાં આવ્યો હતો. જેથી આ અંગેની ઉચ્ચકક્ષાએ રજૂઆતો કરવામાં આવી હતી.

ત્યારબાદ તોડકાંડની તપાસ એસએમસીને સોંપવામાં આવી હતી અને એસએમસીના અધિકારીએ ટંકારા તાલુકા પોલીસ સ્ટેશનના તત્કાલિન પીઆઇ વાય.કે.ગોહિલ અને હેડ કોન્સટેબલ મહિપતસિંહ સોલંકી સામે 51 લાખ રૂપિયાનો તોડ કર્યો હોવાની ફરિયાદ નોંધાવવામાં આવી હતી, તે ગુનામાં પહેલા આરોપી હેડ કોન્સટેબલ મહિપતસિંહ સોલંકીની ધરપકડ કરીને જેલ હવાલે કરવામાં આવ્યા હતા અને થોડા દિવસો પહેલા આરોપી પીઆઇ વાય.કે.ગોહિલને પકડીને એસએમસીના અધિકારીએ તપાસનીસ અધિકારીને સોંપી દીધા હતા. ત્યાર બાદ તપાસનીસ અધિકારી ડીવાયએસપી વી.વી. રબારી દ્વારા આરોપી પીઆઇને મોરબીની કોર્ટમાં રજૂ કરીને રિમાન્ડ લેવામાં આવ્યા હતા અને બાદમાં ફરધર રિમાન્ડ મેળવ્યા હતા, જે સોમવારે સાંજે પૂરા થતાં મોરબીની કોર્ટમાં ફરી આરોપી પીઆઇને રજૂ કરવામાં આવતા કોર્ટે આરોપી પીઆઈ વાય.કે.ગોહિલને મોરબીની જેલના સળિયા પાછળ ધકેલવાનો હુકમ કર્યો છે.

જો કે આ બાબતે તપાસનીસ ડીવાયએસપી વી.વી. રબારી સાથે વાત કરતાં તેમણે જણાવ્યું હતું કે, રિમાન્ડ દરમિયાન આરોપી પીઆઇ પાસેથી દસ લાખ રૂપિયાની રિકવરી કરવામાં આવી છે તેમજ જરૂરી સાહિત્ય પણ કબજે કરવામાં આવ્યું છે અને આગળની તપાસ ચાલી રહી છે.

Advertisement
Advertisement
RELATED ARTICLES

Most Popular