તાજેતરમાં ટંકારા નજીક ખજુરા હોટલ પાસે આંગણિયા પેઢીના રૂ.90 લાખની લુંટ થઈ હતી. પોલીસે પણ સમય સૂચકતા સાથે ગણતરીના દિવસોમાં આ ચકચારી લૂંટનો ભેદ ઉકેલી એક પછી એક આરોપીઓને ઝડપી પાડ્યા હતા અને હજુ પણ આ અંગે તપાસ ચાલી રહી છે અને તેમાં સંડોવાયેલા આરોપીઓને ઝડપી લેવા તજવીજ ચાલુ છે. ત્યારે આ પ્રકરણમાં પોલીસે વધુ એક આરોપીને રૂ.2 લાખની રોકડ સાથે પકડી લીધો છે. આરોપીને કોર્ટમાં રજૂ કરાતા કોર્ટે 7 દિવસના રિમાન્ડ મંજુર કરી આપ્યા છે.
આ ચકચારી બનાવ અંગે પ્રાપ્ત વિગતો અનુસાર, ગત તા.21 મેના રોજ નિલેષભાઈ મનસુખભાઈ ભાલોડી રહે. રાજકોટ તથા તેઓના ડ્રાઈવર બન્ને રાજકોટ 150 ફુટ રોડ પરથી આંગડીયા પેઢીના રોકડા રૂપીયા સાથે XUV કારમાં રાજકોટથી મોરબી આવતા હતા ત્યારે બલેનો કાર તથા પોલો કારથી આરોપીઓએ પીછો કરી છરી, લાકડાના ધોકા, પાઇપ જેવા હથિયારથી ફરીયાદી પર હુમલો કરી રોકડ રૂ.90 લાખની લુંટ કરી હતી. આ મામલે સાતેક અજાણ્યા શખ્સો સામે ગુનો નોંધી તપાસ ચલાવવામાં આવી રહી હતી.
પોલીસે આ કેસમાં અગાઉ અભીજીત ભાવેશભાઈ ભાર્ગવ રહે.ભાવનગર, અભિ લાલાભાઇ અલગોતર રહે.ભાવનગર, દિગ્વીજય અમરશીભાઈ ઢેઢી રહે.ટંકારા, હિતેશભાઈ પાંચાભાઈ ચાવડા રહે સાંજણાસર જી.ભાવનગર અને મેહુલ ધિરુભાઈ બલદાણીયા ઉર્ફે કાનો રહે.સુરતવાળાની ધરપકડ કરી હતી.
આ આરોપીઓની પૂછપરછમાં નિકુલ કાનાભાઈ અલગોતર રહે.ભાવનગર વાળો પણ ગુનાના અંજામ આપવા આવ્યો હોવાનું ખુલ્યું હતું. આ આરોપી ગત તા.8ના રોજ દ્વારકા ખાતે દર્શન કરવા જવાનો હોવાની બાતમી મળતા તે આધારે વાંકાનેર બાઉન્ડ્રી ખાતેથી પકડી લેવામાં આવ્યો છે. તેની પાસેથી રોકડા રૂ.2 લાખ રિકવર કરવામાં આવ્યા છે.
આરોપી બનાવ બન્યા બાદ જુદી જુદી જગ્યાએ રોકાયો હોય તે દિશામાં તપાસ તજવીજ ચાલુ છે.
આરોપીને નામદાર કોર્ટમાં રજૂ કરી રિમાન્ડની માંગણી ક૨તા 7 દિવસના રિમાન્ડ મંજુર કરવામાં આવ્યા છે.




