મોરબી જિલ્લામાં દારૂની તો રેલમછેલ થઈ રહી છે, ક્યાંક દારૂ ઝડપાઈ રહ્યો છે તો ક્યાંક દારૂની ભઠ્ઠીઓ. ત્યારે હવે વાંકાનેર તાલુકાના વિરપર ગામની સીમમાં વાડીના શેઢે ચાલતી દેશીદારૂ બનાવવાની ભઠ્ઠી પર રેઇડ કરી 275 લિટર દેશી દારૂ જેની કિંમત રૂ.55 હજાર થાય છે તથા દેશી દારૂ બનાવવાનો 2600 લિટર આથો જેની કિ.રૂ.65 હજાર, ભઠ્ઠી ચલાવવાના સાધનો મળી કુલ કિ.રૂ.1,31,800 નો મુદામાલ મોરબી ક્રાઇમ બ્રાંચે ઝડપી પાડયો છે.
મોરબી એલસીબી તથા પેરોલ ફર્લો સ્કવોડને સયુંકતમાં ખાનગીરાહે બાતમી મળેલ કે વિરપર ગામે રહેતા મનિષભાઇ ઉર્ફે મનોજભાઇ રામજીભાઇ મકવાણા વાળા પોતાના ગામ વિરપર ગામમાં આવેલ સોરસગો તરીકે ઓળખાતી સીમમાં આવેલ વાડીના શેઢે દેશી પીવાનો દારૂ બનાવવાનો આથો ગાળી ભઠ્ઠી ચલાવી દેશી પીવાનો દારૂ બનાવે છે તેવી બાતમીવાળી જગ્યાએ રેઇડ કરતા રૂ.55 હજારની કિંમતનો 275 લિટર દેશી દારૂ, રૂ.65 હજારની કિંમતનો 2600 લિટર દેશી દારૂ બનાવવાનો આથો અને ભઠ્ઠી ચલાવવાના સાધનો સહિત કુલ કિ.રૂ.1,31,800 નો પ્રોહીબીશનને લગતો મુદામાલ મળી આવતા આરોપી વિરુદ્ધ વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનમાં પ્રોહીબીશન ધારા તળે ગુનો નોંધાવી આગળની ધોરણસરની કાર્યવાહી કરવામાં આવી છે.




