મોરબીમાં અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ એસ.જે. ખાચર દ્વારા જિલ્લાભરના તમામ કારખાનેદારો, મકાન બાંધકામમાં, ફાઉન્ડ્રી ઉદ્યોગમાં, હીરા ઉદ્યોગ, ખેતી તથા ફેકટરીઓમાં તેમજ વેપાર ધંધામાં મજૂર કે ભાગીયા તરીકે કામ કરતા પરપ્રાંતીય કારીગરોની વિગતો સબંધિત પોલીસ સ્ટેશનમાં આપવા અને હાલની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને કામદારો/શ્રમિકોના પૂર્વ ઈતિહાસ, નાગરિકતા અને ઓળખ નક્કી થઈ શકે તેવા તમામ આધાર પુરાવા (ચૂંટણી કાર્ડ, પાસપોર્ટ, રેશન કાર્ડ વગેરે) ફરજીયાત મેળવી પોલીસ સ્ટેશન પાસે વેરીફાઈ કરાવવા માટેનું ખાસ જાહેરનામુ પ્રસિદ્ધ કરાયું છે.
જેમાં જણાવ્યા અનુસાર, તમામ કારખાનેદારો, મકાન બાંધકામ બિલ્ડર્સ, ફાઉન્ડ્રી ઉદ્યોગ, હીરા ઉદ્યોગ, ખેતી કામ તથા અન્ય ફેકટરી ઉદ્યોગો વેપાર-ધંધા સાથે સંકળાયેલા તમામ પ્રાઈવેટ સેકટરના માલીકો અને મેનેજમેન્ટ કે જેઓના યુનીટમાં કર્મચારીઓ, કારીગરો, મજૂરો કે ભાગીયા હાલમાં કામ પર છે તેવા કાયમી, હંગામી કે કોન્ટ્રાકટના કર્મચારીઓને કારીગરો/શ્રમિકોની માહિતી તૈયાર કરી સબંધિત પોલીસ સ્ટેશનમાં આ જાહેરનામુ પ્રસિદ્ધ કર્યાના 15 દિવસમાં આપવાની રહેશે. કર્મચારીની જરૂરી તમામ વિગતો નિયત પત્રકમાં તૈયાર કરીને આપવાની રહેશે.
આ ઉપરાંત અન્ય રાજ્યો/દેશમાંથી આવેલા વ્યક્તિને મકાન ભાડા પેટે આપવામાં આવે ત્યારે મકાન માલીકનું નામ, રહેઠાણનું સરનામું, જે મકાન ભાડે આપેલ હોય તે મકાનનું નામ, સરનામું, ભાડે આપ્યાની તારીખ વગેરે વિગતો સહિતનું નિયત નમૂનાનું ફોર્મ ભરી સંબંધીત પોલીસ સ્ટેશનમાં જમા કરાવવાનું રહેશે.
કારખાના/ઔદ્યોગિક શ્રમિકો સિવાયના ભાડુઆત, ખેત શ્રમિક કે ભાગીયા માટે માંગ્યા મુજબની વિગતો રજિસ્ટર/બાયોડેટાની સીડી તૈયાર રાખવા તથા તે મુજબની માહિતી સિટીઝન પોર્ટલમાં (સિટીઝન ફર્સ્ટ મોબાઈલ એપ) રજિસ્ટ્રેશન ક૨ાવવી તથા તેની એક હાર્ડ કોપી તાત્કાલિક નજીકના પોલીસ સ્ટેશનમાં 7 દિવસમાં જમા કરાવવાની રહેશે.
આ ઉપરાંત, મોરબી જિલ્લા વિસ્તારની સલામતી અને શાંતી જળવાઈ રહે તે માટે શ્રમિકો/કારીગરોની માહિતી સાચી અને સરળતાથી મળી રહે તે માટે apps.apple.com/us/app/morbi-assured/id1557232449 વાળી લિંક અથવા એન્ડ્રોઈડ ફોન play.google.com/store/apps/details? id=com.morbi_eye લિંક પરથી ઈન્સ્ટોલ કરવાની રહેશે.
કારખાનેદાર/ફેકટરીના માલીકોએ તેમજ કામ કરતા જે તે માલીકોએ મજૂરોનું રજિસ્ટ્રેશન કરવાનું રહેશે, આ જાહેરનામાનો અમલ તા.30 સપ્ટેમ્બર સુધી કરવાનો રહેશે.




