Tuesday, May 5, 2026
HomeGujaratમોરબીના પ્રેમજીનગર ગામે પિતાના ઠપકાથી માઠું લાગતા સગીરે ઘર છોડ્યું, અપહરણની શંકા...

મોરબીના પ્રેમજીનગર ગામે પિતાના ઠપકાથી માઠું લાગતા સગીરે ઘર છોડ્યું, અપહરણની શંકા જતા પિતાએ ફરિયાદ નોંધાવી

Advertisement
Advertisement

મોરબીના પ્રેમજીનગર ગામે રહેતો સગીર ઘેરથી કહ્યા વગર રફાળેશ્વર મેળામાં જતા ઘેર પિતાએ ઠપકો આપ્યો હતો, જેનું માઠું લાગતા ગત તા.22ના રોજ ઘેરથી નીકળી ગયેલા સગીરની ભાળ ન મળતા આ બનાવ અંગે સગીરના પિતાએ અપહરણની શંકા દર્શાવતા મોરબી તાલુકા પોલીસે અજાણ્યા શખ્સ વિરુદ્ધ અપહરણ બાબતે ફરિયાદ નોંધી છે.

મોરબી તાલુકાના પ્રેમજીનગર ગામે રહેતા અને સેનેટરીવર્સમા મજૂરી ક૨તા ગોપાલભાઈ છનાભાઈ રાઠોડ (ઉ.વ.34) એ મોરબી તાલુકા પોલીસ મથકમાં અજાણ્યા વ્યક્તિ વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા કહ્યું હતું કે, ગત તા.22ના રોજ તેમનો સગીર પુત્ર ઘેરથી પૂછ્યા વગર રફાળેશ્વર મેળામાં ગયો હતો અને રાત્રે સાડા આઠેક વાગ્યે ઘેર પરત આવતા પૂછ્યા વગર મેળામાં કેમ ગયો તે અંગે ઠપકો આપતા ઘેરથી નીકળી ગયો હતો.

સગીર પુત્ર ઘેરથી જતો રહ્યા બાદ તેના પિતા ગોપાલભાઈએ રફાળેશ્વર મેળામાં તેમજ તરણેતર મેળામાં ઉપરાંત સગા વહાલાને ત્યાં પણ તપાસ કરી હતી પરંતુ પુત્ર મળી ન આવતા અજાણ્યા શખ્સો તેમના પુત્રને ઉપાડી ગયા હોવાની શંકા વ્યક્ત કરી અપહરણ અંગે ફરિયાદ નોંધાવતા તાલુકા પોલીસે ગુનો દાખલ કર્યો છે.

નોંધનીય છે કે, ગોપાલભાઈના પત્ની છેલ્લા ત્રણ વર્ષથી ઉમિયાનગર ગામે પિતાને ત્યાં રિસામણે હોવાથી ફરિયાદીએ પોતાનો પુત્ર માતા પાસે ગયો હશે તેમ માની ત્યાં પણ તપાસ કરી હતી. જો કે, લાપતા સગીરની ભાળ ન મળતા હાલમાં પોલીસે ગોપાલભાઈની ફરિયાદને આધારે ગુનો દાખલ કરી સગીરને શોધવા માટે તપાસ હાથ ધરી છે.

Advertisement
Advertisement
RELATED ARTICLES

Most Popular