માળિયા મીયાણા તાલુકાના તરઘરી ગામે ગ્રામ પંચાયતની ન્યાય સમિતિની અધ્યક્ષ બનેલી મહિલા સામે ચાર શખ્સોએ ધમકીઓ આપ્યાની ઘટના સામે આવી છે. અનુસૂચિત જાતિના સ્મશાનની જમીન સંબંધિત પ્રશ્ન ઉઠાવતાં મહિલાને અધ્યક્ષપદ પરથી સસ્પેન્ડ કરાવવાની, ઘર ખાલી કરાવવાની અને ગામમાં ન રહેવા દેવાની ધમકીઓ આપવામાં આવી હોવાની ફરિયાદ નોંધાઈ છે.
મળતી વિગતો મુજબ, તરઘરી ગામે રહેતા અને હાલમાં મોરબીના શિવમ હોસ્પિટલ પાછળ ભક્તિનગર સોસાયટીમાં રહેતા રશ્મીકાબેન બીપીનભાઈ પરમાર (ઉ. ૩૬) એ માળિયા પોલીસ સ્ટેશનમાં ભાવેશભાઇ ખીમજીભાઇ સુવારીયા, પ્રકાશભાઇ પ્રેમજીભાઇ ફુલતરીયા, બળવંતભાઇ ભીખાભાઇ કુકરવાડીયા અને ઘેલાભાઇ કચરાભાઇ સુવારીયા (બધા રહે. તરઘરી, તા. માળિયા મીયાણા) વિરુદ્ધ ફરીયાદ નોંધાવી છે.
ફરીયાદી મહિલાના જણાવ્યા મુજબ, તેઓ તરઘરી ગ્રામ પંચાયતના ન્યાય સમિતિના અધ્યક્ષ તરીકે ફરજ બજાવે છે અને અનુસૂચિત જાતિના સ્મશાનની જમીન અંગે ગ્રામ પંચાયત સમક્ષ રજૂઆત કરવા ગયાં હતાં. તે દરમિયાન ઉપરોક્ત આરોપીઓએ તેમને અધ્યક્ષપદેથી સસ્પેન્ડ કરાવવાની ધમકી આપી અને ગામમાં ન રહેવા દેવાની તથા ઘર ખાલી કરાવવાની ધમકીઓ આપી ડરાવી ધમકાવ્યા હતાં. પોલીસે ફરિયાદના આધારે ગુન્હો નોંધીને આગળની તપાસ હાથ ધરી છે.




