HomeMorbiહળવદના ચિત્રોડી ગામે ખેતરમાં જ ઉગાડ્યો ગાંજાનો પાક! 364 છોડ સાથે શખ્સ...
હળવદના ચિત્રોડી ગામે ખેતરમાં જ ઉગાડ્યો ગાંજાનો પાક! 364 છોડ સાથે શખ્સ ઝડપાયો, રૂ.16.57 લાખનો મુદ્દામાલ જપ્ત
હળવદ તાલુકાના ચિત્રોડી ગામે ખેતરમાં ગેરકાયદેસર રીતે ગાંજાની ખેતી કરવામાં આવતી હોવાનો પર્દાફાશ થયો છે. મોરબી એન્ટી નાર્કોટિક્સ વિંગની ટીમે બાતમીના આધારે દરોડો પાડી ગાંજાના 364 લીલા છોડ સાથે એક શખ્સને ઝડપી પાડ્યો છે. પોલીસની આ કાર્યવાહીમાં મોબાઇલ ફોન સહિત કુલ રૂ.16,57,500નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે.
મોરબી એન્ટી નાર્કોટિક્સ વિંગની ટીમને બાતમી મળી હતી કે ચિત્રોડી ગામે હનીફભાઈની વાડીમાં રહેતા વિપુલભાઈ ઉર્ફે રોકો ધીરૂભાઈ પરાલીયાએ પોતાના કબજાના ખેતરમાં ગાંજાના છોડનું વાવેતર કર્યું છે. જેના આધારે દરોડો પાડતાં ખેતરમાંથી ગાંજાના નાના-મોટા કુલ 364 લીલા છોડ મળી આવ્યા હતા. જેનું કુલ વજન 33 કિલો 50 ગ્રામ અને કિંમત રૂ.16,52,500 થવા જાય છે. આ ઉપરાંત રૂ.5 હજારનો મોબાઇલ ફોન મળી કુલ રૂ.16.57 લાખનો મુદ્દામાલ કબજે કરી એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો નોંધી આરોપીની ધરપકડ કરવામાં આવી છે. આગળની તપાસ હળવદ પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી છે.