HomeGujaratસાધુના વેશમાં રહેલો શેતાન પકડાયો: 23 વર્ષ પહેલાં મોરબીમાં વૃદ્ધાની હત્યા કરી...

સાધુના વેશમાં રહેલો શેતાન પકડાયો: 23 વર્ષ પહેલાં મોરબીમાં વૃદ્ધાની હત્યા કરી લૂંટ ચલાવનાર આરોપી મથુરાથી દબોચાયો

મોરબી શહેરમાં 23 વર્ષ પહેલાં એક વૃદ્ધાની હત્યા કરી ઘરેણાં લૂંટી ફરાર થયેલો શખ્સ હવે મથુરા જઈ સાધુ બની ગયો હતો. જોકે, મોરબી એલસીબી/ફર્લો સ્ક્વોડની ટીમે ગુપ્ત બાતમીના આધારે મથુરા સુધી પહોંચી આ સાધુના વેશમાં રહેલા શેતાનને દબોચી મોરબી લાવ્યા છે.

પ્રાપ્ત વિગતો મુજબ, 7 મે 2002ના રોજ ત્રાજપર ખારી વિસ્તારમાં ચંપાબેન નામની વૃદ્ધાની અજાણ્યા શખ્સોએ ગળે ટુંપો દઈ હત્યા કરી હતી અને પહેરેલ સોનાના પાટલા, ચેન તથા ચાંદીના કડલા લૂંટી લીધા હતા. આ બનાવ અંગે મૃતકના પુત્ર અશોકભાઈ પોપટભાઈ વરાણિયાની ફરિયાદના આધારે પોલીસએ ગુનો નોંધ્યો હતો.

તપાસ દરમિયાન સોનલબેન ઉર્ફે ધર્માવતી નટવરભાઈ પરમાર (મૂળ સોખડા, જી. વડોદરા) અને પ્રેમસીંગ ઉર્ફે ગુરુ સરવન બધેલ (મૂળ અવાર, તા. કુહેર, જી. ભરતપુર – રાજસ્થાન)ના નામ ખુલ્યા હતા. બંને આરોપીઓને ફરાર જાહેર કરવામાં આવ્યા હતા, પરંતુ તે મળી આવ્યા ન હતા.

તાજેતરમાં એલસીબીને બાતમી મળી કે, આરોપી પ્રેમસીંગ ઉર્ફે ગુરુ સરવન ઉત્તર પ્રદેશના મથુરા જિલ્લામાં સાધુનો વેશ ધારણ કરી હનુમાન મંદિરમાં રહી સેવા કરે છે. આ બાતમીના આધારે મોરબી એલસીબીની ટીમ મથુરા જિલ્લાના છાતા તાલુકાના તરોલી જાનુબી ગામે પહોંચી સ્થાનીક વેશ ધારણ કરીને અને સ્થાનીક પોલીસની મદદથી તપાસ હાથ ધરી હતી.

તપાસ દરમિયાન આરોપી 23 વર્ષ બાદ મળી આવ્યો હતો. ટીમે તેને પકડી મોરબી લાવી સિટી એ ડિવિઝન પોલીસને સોંપી દીધો છે. આ કામગીરીમાં એલસીબી પીઆઈ એમ.પી. પંડયા, પીએસઆઈ બી.ડી. ભટ્ટ, જે.પી. કણસાગરા સહિતની ટીમે મહત્વની ભૂમિકા ભજવી હતી.

RELATED ARTICLES

Most Popular