હળવદ તાલુકાના શીવપુર ગામમાં શેઢાને લઈ ઊભેલા વિવાદે બે ભાઈઓ વચ્ચે ઝઘડો સર્જાતા વૃદ્ધને ઈજા પહોંચાડવામાં આવી હોવાનું સામે આવ્યું છે. ઘટનાને લઈને હળવદ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો છે.
પ્રાપ્ત વિગતો મુજબ, શીવપુર ગામે રહેતા નારણભાઈ શીવાભાઈ ફુલતરીયા (ઉ. વ. 59) ની તેમના સાગા ભાઈ હસમુખભાઈ શીવાભાઈ ફુલતરીયા સાથે શેઢા બાબતે લાંબા સમયથી વિવાદ ચાલી રહ્યો હતો.
ઘટનાના રોજ બંને ભાઈ વચ્ચે બોલાચાલીથી ઝગડો વધ્યો. દરમિયાન હસમુખભાઈએ પોતાની પાસે રહેલી ખંપારી વડે નારણભાઈ પર હુમલો કર્યો. હુમલામાં વૃદ્ધને જમણા હાથની કોણી તથા આંગળીઓ પર છોલા પડી ગયાં હતા તેમજ મુંઢ પર પણ ઈજા પહોંચી હતી. ઉપરાંત, વૃદ્ધને જાનથી મારી નાંખવાની ધમકી આપ્યાનો પણ આક્ષેપ ફરીયાદમાં કરવામાં આવ્યો છે.
વૃદ્ધના નિવેદનના આધારે હળવદ પોલીસે આરોપી વિરુદ્ધ IPC કલમ 323, 506(2), 504 તથા GP અધિનિયમ હેઠળ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે. પોલીસ દ્વારા આરોપીની ધરપકડ માટે તજવીજ શરૂ કરવામાં આવી છે.




