વાંકાનેર તાલુકાના ઢુવા–માટેલ રોડ પર સ્પા ભાડે રાખવાની બાબતે થયેલી બોલાચાલીએ ગંભીર સ્વરૂપ ધારણ કરતાં પિતા–પુત્રએ યુવાન અને તેના કૌટુંબિક ભાઈ પર પાઈપ વડે હુમલો કર્યો હોવાનું સામે આવ્યું છે. મોરબીના પ્રેમજીનગર ગામના રહેવાસી નીલેશ જયંતીભાઈ શેખવા (ઉ.વ. 23) એ આરોપી કાનાભાઈ કોળી અને તેમના પુત્ર વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે.
ફરિયાદ મુજબ, તા. 13ની રાત્રે સાડા દશેક વાગ્યે માસ સ્પા પાસે ફરિયાદીના કૌટુંબિક કાકા ભુપતભાઈ અને આરોપી કાનાભાઈ વચ્ચે સ્પા ભાડે રાખવાની ચર્ચા ચાલી રહી હતી દરમિયાન બોલાચાલી થઈ હતી. બોલાચાલી ઝઘડામાં ફેરવાતા નીલેશ વચ્ચે પડ્યો ત્યારે આરોપી કાનાભાઈએ લોખંડી પાઈપ વડે તેના માથામાં મારો કરી ઈજા પહોંચાડી હતી.
ઘટના બાદ નીલેશ પેટ્રોલ પંપ પાસે આવેલી પાનની દુકાન સુધી પહોંચ્યો ત્યારે આરોપી પિતા–પુત્ર ત્યાં સુધી પાછળ આવી ફરી હુમલા આચર્યા હતા. કાનાભાઈએ ફરી એકવાર નીલેશના માથામાં પાઈપ વડે પ્રહાર કર્યો, જ્યારે તેના પુત્રએ પ્લાસ્ટિક પાઈપ વડે વાસી પર મારો કર્યો હતો. ઝઘડો શમાવવા વચ્ચે પડેલા ફરિયાદીના કૌટુંબિક ભાઈ હિતેશભાઈને પણ પાઈપ વડે માથામાં મારી ઇજા પહોંચાડવામાં આવી હતી. વાંકાનેર તાલુકા પોલીસે આરોપી પિતા–પુત્ર વિરુદ્ધ ગુનો દાખલ કરી વધુ તપાસ શરૂ કરી છે.




