ઈન્ડોનેશિયાના યોગ્યાકર્તા શહેરમાં 13 અને 14 નવેમ્બર દરમિયાન યોજાયેલી ISO-TC/189 સિરામિક ટાઈલ્સ ઓર્ગેનાઈઝેશનની આંતરરાષ્ટ્રીય બેઠકમાં મોરબીના સ્લેબ ટાઈલ્સ ઉદ્યોગ સામે ચીન દ્વારા ઘડાયેલું ‘છુપેલું કાવતરું’ નિષ્ફળ રહ્યું છે.
આ બેઠકમાં ભારતીય ડેલિગેશન તરફથી મોરબી સિરામિક એસોસિએશન પ્રમુખ હરેશભાઈ બોપલીયા સહિત પાંચ પ્રતિનિધિઓ હાજર રહ્યા હતા. ભારતે સ્લેબ ટાઈલ્સ પર ચીન દ્વારા લાવવામાં આવેલા બિનજરૂરી અને ઉદ્યોગને નુકસાનકારક સ્ટાન્ડર્ડનો સખત વિરોધ નોંધાવ્યો હતો.
ગત વર્ષ ચીને Elastic Modulus for Substrate & Glaze Layer નામનો ટેસ્ટ ફરજીયાત કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ ભારત અને અન્ય દેશોના વિરોધ બાદ તે રદ થયો હતો.
ભારતીય પ્રતિનિધિઓએ ટેકનિકલ આધાર સાથે બતાવ્યું હતું કે ચાઈનાનો પ્રસ્તાવ બિનજરૂરી, અયોગ્ય અને ઉદ્યોગવિરોધી છે. ભારતના આ મજબૂત વલણને અમેરિકા, ઈટાલી, ઓસ્ટ્રેલિયા, બ્રાઝીલ અને તુર્કી જેવા દેશોએ પણ સમર્થન આપ્યું હતું. સમર્થન બાદ કમિટીના ચેરમેન અમેરિકાના ડૉ. સેન્ડર્સએ ચીનનો પ્રસ્તાવ રદ કરી ભારતના પક્ષમાં નિર્ણય જાહેર કર્યો.
મોરબી સિરામિક એસો. પ્રમુખ હરેશ બોપલીયાએ જણાવ્યું કે, “આ નિર્ણયથી મોરબીના સિરામિક ઉદ્યોગને મોટા આર્થિક નુકસાનથી બચાવી લેવામાં આવ્યું છે. ચીનના બિનજરૂરી અને ઉદ્યોગને દબાવનારા સ્ટાન્ડર્ડને ફરી એક વખત નિષ્ફળ બનાવવામાં ભારત સફળ રહ્યું છે.”




