HomeMorbiવાંકાનેરમાં વ્યાજખોરોનો આતંક! રૂ. 10 લાખના 35 લાખ વસૂલ્યા છતાં રૂ. 15.50...
વાંકાનેરમાં વ્યાજખોરોનો આતંક! રૂ. 10 લાખના 35 લાખ વસૂલ્યા છતાં રૂ. 15.50 લાખની વધુ ઉઘરાણીનો આક્ષેપ, ત્રણ આરોપી પોલીસની પકડમાં
વાંકાનેરમાં ઊંચા વ્યાજે નાણાં આપી ધાકધમકીથી ઉઘરાણી કરવાના કેસમાં સીટી પોલીસે ત્રણ આરોપીઓને ઝડપી પાડ્યા છે. લેબર કોન્ટ્રાક્ટર દેવેન્દ્રભાઈ સગર પાસેથી રૂ. 10 લાખ સામે અત્યાર સુધી રૂ. 35 લાખ વ્યાજ પેટે વસૂલ્યા હોવા છતાં વધુ રૂ. 15.50 લાખની માંગણી કરવામાં આવી હોવાનો આક્ષેપ છે. ફરિયાદ મુજબ, છરી બતાવી જાનથી મારી નાખવાની ધમકી આપીને ઉઘરાણી કરવામાં આવતી હતી.
પોલીસના જણાવ્યા અનુસાર, ફરિયાદીએ વર્ષ 2022માં સરફરાજ હુસેનભાઈ મકવાણા પાસેથી 10 ટકા વ્યાજે રૂ. 10 લાખ લીધા હતા. ત્યારબાદ આરોપીઓ દ્વારા ધાકધમકી આપી નાણાં વસૂલવામાં આવ્યા હોવાની ફરિયાદ નોંધાઈ હતી. આ મામલે વાંકાનેર સીટી પોલીસે ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન સોર્સની મદદથીસાકીરભાઈ ઈકબાલભાઈ ઘોઘારી, રમજાન ઉર્ફે રમજુ કરીમભાઈ માડકીયા અને પુનીતભાઈ કનૈયાલાલ મનવાણીને ઝડપી પાડ્યા છે.
આ કેસમાં મુખ્ય આરોપી સરફરાજ હુસેનભાઈ મકવાણા હાલ રાજકોટની પોપટપરા જેલમાં બંધ હોવાનું જાણવા મળ્યું છે. તેને આ ગુનામાં આગળની કાયદેસરની કાર્યવાહી માટે જેલમાંથી લાવવા પોલીસે તજવીજ હાથ ધરી છે.
વ્યાજના નામે આર્થિક શોષણ અને ધાકધમકીના આક્ષેપો વચ્ચે પોલીસની કાર્યવાહીથી ચકચાર: વાંકાનેરમાં નોંધાયેલા આ બનાવે ગેરકાયદેસર વ્યાજવટાવ અને બળજબરીપૂર્વકની ઉઘરાણીનો મુદ્દો ફરી ચર્ચામાં લાવ્યો છે. પોલીસે ત્રણ આરોપીઓને ઝડપી આગળની તપાસ હાથ ધરી છે.