મોરબી-વાંકાનેર હાઈવે પર મકનસર ગામ નજીક ટ્રક ચાલકે બેદરકારીપૂર્વક વાહન ચલાવતા બે લોકોને હડફેટે લેતા ગંભીર અકસ્માત સર્જાયો હોવાની ફરિયાદ મોરબી તાલુકા પોલીસ મથકે નોંધાઈ છે.
વાંકાનેરના રાતાવીરડા ગામ નવાપર વિસ્તારમાં રહેતા મોજેરામ કેશવદાસ દૂધરેજિયા (ઉ.વ. 55) એ ફરિયાદમાં જણાવ્યું છે કે તારીખ 11-11ના રોજ તેઓ અને તેમના સાથી કરણાભાઈ બાઈક (જીજે 13 એલએલ 3327) તથા રીક્ષા (જીજે 36 ડબલ્યુ 1665) સાથે મકનસર નજીક રોડ સાઇડ પર ઊભા હતા. ત્યાજ ટ્રક (નં. MP 09 HH 6919) નો ચાલક પૂરઝડપે દોડી આવી નિયંત્રણ ગુમાવી બંનેને હડફેટે લઈને અકસ્માત સર્જ્યો હતો.
અકસ્માતમાં મોજેરામ દૂધરેજિયાને ગંભીર ઇજાઓ થઈ છે, જેમાં મણકાનું ઓપરેશન, હાથમાં ફ્રેક્ચર, જમણા પગના પંજાનું હાડકું તૂટવું, તેમજ શરીરના અન્ય ભાગોમાં છોલછાલ જેવી ઈજાઓનો સમાવેશ થાય છે. જ્યારે કરણાભાઈને પગમાં ઢીંચણ, મણકામાં ઈજા, મણકામાં ફ્રેક્ચર જેવી ગંભીર ઈજાઓ થઈ છે. સાથે સાથે તેમની રીક્ષા પણ નુકસાનગ્રસ્ત થઈ હતી.

