મોરબી શહેરના પાવન પાર્કમાં રહેતા સામાજિક કાર્યકર ગૌતમભાઈ શૈલેન્દ્રકુમાર ઝા (ઉંમર 38) પર ચાર શખ્સોએ હુમલો કરી જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે.
મળતી માહિતી મુજબ ફરીયાદી ગૌતમભાઈ હાથ ઉછીના રૂપિયા વસૂલ કરવા કુમાર ઇન્ડસ્ટ્રીઝ ગયા હતા. ત્યાંથી પરત ફરતા લાલપર ગામની સીમમાં આવેલી કેલ્વિન એન્ટરપ્રાઈઝ પાસે જાહેર રોડ પર આરોપી હિતેષભાઈ પટેલ અને તેના સાથી ત્રણ અજાણ્યા ઈસમોએ તેમને રોક્યા હતા.
ફરીયાદ પ્રમાણે ગૌતમભાઈ અને આરોપી વચ્ચે અગાઉ કોઈ મનદુખ હતું, જેના ખાર રાખીને ચારેયએ ફરીયાદીને પકડી રાખ્યા હતા. ત્યારબાદ આરોપી હિતેશભાઈએ લાકડાની હોકી વડે બંને પગ અને પીઠ પર માર મારી ઇજા પહોંચાડી હતી. સાથે જ ગાળો બોલી જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી.
પોલીસે ફરિયાદના આધારે આરોપીઓ વિરુદ્ધ BNS કલમ 115(2), 352, 351(2), 54 તથા GP એક્ટ કલમ 135 મુજબ ગુન્હો નોંધ્યો છે અને આગળની તપાસ ચાલુ કરી છે.




