વિદેશમાં વેપાર વધારો અને એક્સપોર્ટ કરાવી આપવાની લાલચ આપી વેપારીઓ પાસેથી કરોડો રૂપિયા પડાવી ફ્રોડ કરનાર ગેંગ સામે મોરબી સાયબર ક્રાઇમને મોટી સફળતા મળી છે. ગુજરાત-દિલ્હી જોડાયેલા આ ગેંગના વધુ એક સભ્ય જયકીશન ભાનારામ સિંગલા (ઉંમર 52) ને દિલ્હી સ્થાનેથી હ્યુમનસોર્સનાં આધારે ઝડપી પાડવામાં આવ્યો છે.
ન્યુ દિલ્હીની Trade Fundamental Pvt. Ltd. અને GBFS Wings Pvt. Ltd. કંપનીઓ ઓનલાઈન સ્કીમો બતાવી મોરબીના કોકોપીટ વેપારીને Hong Kong ની ACES TRADING સાથે ડીલ કરાવી આપવાનું કહી 2023 થી 2025 દરમિયાન કુલ રૂ.1,72,88,400 રકમ અલગ-અલગ બેંક એકાઉન્ટમાં ટ્રાન્સફર કરાવી લીધી હતી.
પરંતુ કોઈ ડીલ કે એક્સપોર્ટ ન કરાવતા વેપારીએ મોરબી સાયબર ક્રાઇમ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી. જેમાં ભારતીય ન્યાય 2023 તથા IT Act હેઠળ ગુનો નોંધાયો.
પોલીસ ઇન્સ્પેક્ટર એન.એ.વસાવા અને સાયબર ક્રાઇમ ટીમે ટેકનિકલ તપાસ બાદ દિલ્હી પહોંચીને આરોપીને પકડી પાડ્યો. આરોપીએ ફ્રોડથી મેળવાયેલ નાણાં પોતાના પિતાના એકાઉન્ટમાં ટ્રાન્સફર કરાવ્યા હોવાનું બહાર આવ્યું છે. આરોપીને મોરબી લાવી રીમાન્ડ મેળવી વધુ તપાસ હાથ ધરાઈ છે.




