હળવદથી શીવપુર તરફ જતા રોડ પર થયેલા ગંભીર અકસ્માતમાં બાઈક સવાર યુવકનું સારવાર દરમ્યાન મોત નિપજ્યું છે. આ ઘટનાને પગલે સ્કોર્પિયો કાર ચાલક વિરુદ્ધ હળવદ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે.
મળતી માહિતી અનુસાર, વાંકાનેર તાલુકાના જામસર ગામે રહેતા કિશન રમેશભાઈ દંતેસરીયા (ઉ.વ. 27) એ ફરિયાદ નોંધાવી હતી કે તેમના ભાઈ મેહુલભાઈ રમેશભાઈ દંતેસરીયા મોટરસાયકલ નં. GJ-36-H-9116 પર શીવપુર તરફથી આવી રહ્યા હતા. આ દરમિયાન આરોપીએ પોતાની સફેદ કલરની સ્કોર્પિયો કાર (રજિ. નં. GJ-36-T-1477) બેદરકારીપૂર્વક અને પૂરઝડપે ચલાવી તેમની બાઈકને જોરદાર ટક્કર મારી હતી.
અકસ્માતમાં મેહુલભાઈને માથા અને પગમાં ગંભીર ઇજાઓ થઈ હતી. ગંભીર હાલતમાં તેમને સારવાર માટે ખસેડાયા હતા, જ્યાં સારવાર દરમ્યાન તેમનું દુઃખદ અવસાન થયું.
પરિવારજનોની ફરિયાદના આધારે હળવદ પોલીસે સ્કોર્પિયો કાર ચાલક સામે BNS કલમ 281, 106(1) તથા MV Actની કલમ 177 અને 184 હેઠળ ગુનો નોંધ્યો છે અને કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.




