મહિલાઓની મુશ્કેલ પરિસ્થિતિમાં તેમને સુરક્ષા, સાંત્વના અને યોગ્ય માર્ગદર્શન આપવા 181 અભયમ મહિલા હેલ્પલાઇન સતત સેવાભાવી કાર્ય માટે જાણીતી છે. 18 નવેમ્બર 2025ના રોજ પણ 181 મોરબી ટીમે ઘરેથી નીકળી ગયેલા એક મહિલાને સુરક્ષિત રીતે તેના પરિવાર સાથે મળાવી માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું.
જાગૃત નાગરિક દ્વારા 181 હેલ્પલાઇન પર કોલ મળ્યો હતો કે, વાંકાનેર ચોકડી નજીક એક અજાણ્યા મહિલા ભયભીત હાલતમાં બેઠેલા છે, કોઈ સાથે વાત નથી કરતા અને રસ્તા પર આમતેમ દોડાદોડી કરે છે. માહિતી મળતા જ 181 ટીમના કાઉન્સેલર જાગૃતિ ભુવા, મહિલા કોન્સ્ટેબલ જયશ્રીબેન કોઠીવાર અને પાયલોટ મહેશભાઈ પરમાર તાત્કાલિક સ્થળ પર પહોંચ્યા હતા.
સ્થળ પર હાજર લોકોએ મહિલાને સુરક્ષિત જગ્યાએ બેસાડેલા હતા. ટીમે સૌપ્રથમ તેને સાંત્વના આપી શાંતિપૂર્વક વાતચીત શરૂ કરી. કાઉન્સેલિંગ દરમિયાન મહિલાએ જણાવ્યું કે, તે પોતાના માતા અને ભાઈ સાથે રહે છે અને છેલ્લા બે વર્ષથી એક યુવક સાથે પ્રેમસંબંધમાં હતા. ઘરે આ સંબંધને સ્વીકાર ન આપવામાં આવતા તણાવના કારણે રાત્રે કોઈને જાણ કર્યા વગર ઘરેથી નીકળી ગયા હતા.
181 ટીમ મહિલાને લઈને તેના ઘરે પહોંચી. પરિવાર સાથે વિસ્તૃત વાતચીત કરી. મહિલાની માતાએ જણાવ્યું કે, તેઓ મજૂરી કરી પરિવારનું ગુજરાન ચલાવે છે અને દિકરી વારંવાર પરિવારની વાત નહીં માને તેમજ ઘરની બહાર ચાલી જતી હોવાથી ચિંતિત છે.
181 ટીમે બંને પક્ષને સંવેદનશીલ રીતે કાઉન્સેલિંગ આપી, પરિવારને મહિલાની દેખભાળ રાખવા સમજાવ્યું તેમજ મહિલાને પણ ઘર છોડીને ન જવાનું માર્ગદર્શન આપ્યું. પરિવારને મહિલા સાથે અયોગ્ય વર્તન ન કરવાનું અને તેની ભાવનાઓને સમજવા વિશેષ સૂચના આપી હતી.
અંતે મહિલાએ ક્યારેય ઘર છોડીને ન જવાનો સંકલ્પ વ્યક્ત કર્યો અને રાજી-ખુશી પોતાના પરિવાર સાથે રહેવા તૈયાર થયા હતા. પરિવારજનોએ 181 અભયમ મોરબી ટીમનો આભાર વ્યક્ત કર્યો હતો.

