મોરબીમાં અગાઉ પણ ડુપ્લીકેટ ટ્રેડમાર્કનો દુરુપયોગ કરી વસ્તુઓનુ વેચાણ કરવાના કિસ્સાઓ સામે આવ્યા છે ત્યારે વધુ એક આવો જ કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. મોરબીના લાલપર ગામ નજીક આવેલા એ.બી.એસ. બિલ્ડ ઇન્ડિયા નામના કારખાનામાં અમદાવાદની પીડીલાઇટ ઇન્ડસ્ટ્રીઝ લીમીટેડ કંપનીના ટ્રેડમાર્કનો દુરુપયોગ કરી કંપનીના ડુપ્લીકેટ માર્કાવાળી બેગમાં પીડીલાઇટ ઇન્ડસ્ટ્રીઝ લીમીટેડ કંપનીના નામનું રો મટીરીયલ ભરી બજારમાં સસ્તા ભાવે વેચાણ કરી કંપનીને આર્થિક નુકસાન કરવામાં આવી રહ્યું હતું. જેમાં રેઇડ દરમિયાન સ્થળ પરથી કિં રૂ.15,18,485 નો મુદામાલ મળી આવ્યો છે.
આ અંગે મળતી માહિતી મુજબ, અમદાવાદ-33 અરીહંત જૈનનગર પાલડી ફતેપુરામા રહેતા અને વેપાર કરતા મલયભાઈ યોગેશભાઈ શાહ (ઉ.વ.35 )એ આરોપી શીરીષભાઇ અમરશીભાઇ ચારોલા (ઉ.વ.34) રહે. મોરબી કન્યા છાત્રાલય રોડ સરદાર નગર-2 મારૂતી નંદન એપાર્ટમેન્ટ બ્લોકનં-302 મોરબી મુળ રહે.રાજપર તા.જી.મોરબી, અનિલભાઇ હરીભાઇ બાવરવા (ઉ.વ.48) રહે.મોરબી જી.આઇ.ડી.પાછળ ચિત્રકુટ-3 તા.જી. મોરબી મુળ ગામ બરવાળા તા.જી.મોરબી, મયુરભાઇ જયસુખભાઇ સાંગાણી રહે.મહેંદ્રનગર તા.જી.મોરબી તથા તપાસમાં ખુલ્લે તે તમામ વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે આરોપીઓએ ફરીયાદીની પીડીલાઇટ ઇન્ડસ્ટ્રીઝ લીમીટેડની બેગો બનાવી તે કંપનીના નામે ગેરકાયદે ટ્રેડમાર્કનો દુર ઉપયોગ કરી કંપનીના ડુપ્લીકેટ માર્કાવાળી બેગમાં રો મટીરીયલ ભરી તેનુ બજારમાં સસ્તાભાવે વેચાણ કરી કંપનીને આર્થિક નુકસાન કરી રહ્યા હતા. જેથી રેઇડ દરમિયાન આરોપી શીરીસભાઈ તથા અનિલભાઈ એ પોતાના શેડમાં પીડીલાઇટ ઇન્ડસ્ટ્રીઝ લીમીટેડ માર્કાની 20 કે.જી.ની ભરેલી T01 ની મટીરીયલ્સ ભરેલી સીલ બંધ 90 બેગ જેની કિ.રૂ.66,150 તથા T02 માર્કાની મટીરીયલસ ભરેલ શીલ બંધ 1,961 બેગ કિ.રૂ.14,41,335 તથા T01 માર્કાની ખાલી 170 બેગ કિ.રૂ.1700, T02 માર્કાની ખાલી 1200 બેગ કી.રૂ.12 હજાર, પ્રિંટીંગ મશીન કિ.રૂ.10 હજાર, સિલાઈ મશીન કિ.રૂ.1 હજાર મળી કુલ કિ.રૂ.15,18,485 નો મુદામાલ મળી આવતા તેમજ આરોપી મયુરભાઈએ તેઓને આ બેગ તૈયાર કરાવી આપી ગુનો કર્યો હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે આરોપીઓ વિરુદ્ધ કોપી રાઇટ એક્ટની કલમ તથા ટ્રેડમાર્ક એક્ટની કલમ મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

