મોરબી મહાપાલિકાની ટેક્સ શાખા દ્વારા શહેરમાં જે લોકોનો વેરો બાકી છે તેમને વેરો ભરવા નોટિસ આપવામાં આવી રહી છે
જેમાં રૂ. ૫૦,૦૦૦ થી વધુનો વેરો બાકી હોય તેવા મિલકતધારકોને વેરો ભરવાની નોટિસ આપવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. તેમજ મહાનગરપાલિકા દ્વારા થોડા જ દિવસોમાં વોરંટ બજવણી કરીને વેરો ન ભરનાર મિલકતધારકોની મિલકત સીલ કરવાની કાર્યવાહી કરવામાં આવશે.
આ અંગે મળતી માહિતી મુજબ મોરબી મહાપાલિકા દ્વારા પ્રોપર્ટી ટેક્સ અને વ્યવસાય વેરો કુલ ૧૧ ક્લસ્ટર ઓફિસો ખાતે સ્વીકારવામાં આવી રહ્યો છે. જેથી પાલિકા મુખ્ય ઓફિસ રૂમ નં-૦૯ ખાતે સવારે ૧૦:૩૦ થી સાંજે ૦૫:૦૦ વાગ્યા સુધી POS મશીન દ્વારા પેમેન્ટ સ્વીકારવાનું પણ શરૂ કરાયું છે. ૧૧ ક્લસ્ટર ઓફિસોમાં સવારે ૧૦:૩૦ થી સાંજે ૦૪:૦૦ વાગ્યા સુધી વેરો સ્વીકારવામાં આવશે. આ ઓફિસ નાની વાવડી પંચાયત, અમરેલી પંચાયત, મહેન્દ્રનગર પંચાયત, ભડીયાદ પંચાયત, ત્રાજપર પંચાયત, ગ્રીનચોક લાઈબ્રેરી, વિશ્વકર્મ બાલ મંદિર (વાંકાનેર દરવાજા પાસે), શનાળા, રવાપર, અને લીલાપર ગ્રામ પંચાયત ખાતે સુવિધા શરૂ છે.
પાલિકાએ ડિજિટલ ટ્રાન્ઝેક્શનને પ્રોત્સાહન આપ્યું છે. અરજદારો હવે ઓનલાઈન વેબસાઈટ mmcgujarat.in/અને Play Store પરથી ‘Morbi Municipal Corporation’ લખીને લોગોવાળી એપ્લિકેશન ડાઉનલોડ કરીને વેરો ભરી શકે છે. અત્યાર સુધીમાં 5492 અરજદારોએ ઓનલાઈન પ્રોપર્ટી ટેક્સ ભરીને આ સુવિધાનો લાભ લીધો છે. તેમ મહાનગરપાલિકાની યાદીમાં જણાવાયું છે.




